Vadodara ATS News: ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એજન્સીઓની સતર્કતા વચ્ચે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ વડોદરા જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. ATSની ટીમે વડોદરાના જરોદ બસ સ્ટેન્ડ નજીકથી જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે જોડાયેલા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન તેની પાસેથી એક AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ATSની ટીમે જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જરોદ બસ સ્ટેન્ડ નજીક એક વાહનને અટકાવી તપાસ હાથ ધરી હતી. વાહનની તપાસ દરમિયાન AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ હથિયારો સાથે એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ શખ્સ મૂળ આસામનો હોવાનું અને પ્રતિબંધિત પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે તેના કથિત સંપર્કો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર શંકાસ્પદ વ્યક્તિ આસામથી વડોદરા આવ્યો હતો. તે કયા હેતુથી ગુજરાત પહોંચ્યો હતો અને તેની પાસે AK-47 જેવા ઘાતક હથિયાર ક્યાંથી આવ્યા હતા તે અંગે ATS દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આ હથિયાર કોણે પૂરાં પાડ્યાં હતાં, તેની પાછળ કોઈ વ્યક્તિ કે સંગઠિત નેટવર્ક કાર્યરત હતું કે કેમ અને હથિયારો ગુજરાતમાં કોને સોંપવાના હતા તેવા સવાલોના જવાબ મેળવવા તપાસકર્તાઓ પ્રયાસ કરી રહ્યા છે.
આરોપીને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હોવાના અહેવાલ છે. ATS તેની પૂછપરછ કરીને તેના અન્ય સંપર્કો, સંભવિત સાગરીતો અને હથિયારોની સપ્લાય ચેઇન અંગે માહિતી એકત્રિત કરી રહી છે. તપાસમાં એ પણ જાણવાનો પ્રયાસ થશે કે શંકાસ્પદ વ્યક્તિ એકલો જ કાર્યરત હતો કે તેની પાછળ અન્ય લોકોની મદદ અથવા કોઈ મોટું નેટવર્ક હતું.
હાલ આ મામલે તપાસ પ્રાથમિક તબક્કામાં છે. શંકાસ્પદ વ્યક્તિના જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધો, હથિયારોનો સ્ત્રોત અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તે અંગે સત્તાવાર તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થશે. વડોદરાના જરોદ વિસ્તારમાંથી AK-47 અને જીવતા કારતૂસ મળી આવવાની આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.




