Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વારકા પ્રવાસને લઈને અનેક મહત્વપૂર્ણ માંગણીઓ કરી છે. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનું પદ કોઈ એક પરિવાર, જ્ઞાતિ કે રાજકીય પક્ષનું નહીં, પરંતુ સમગ્ર સમાજ અને તમામ વર્ગોનું ગરિમામય પદ છે. મુખ્યમંત્રીને ‘ગુજરાતના નાથ’ ગણાવી ઇસુદાન ગઢવીએ અપીલ કરી હતી કે તેઓ દ્વારકા, જામનગર અને પોરબંદરના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે ગામડાઓમાં ખેડૂતોના ઘરે એક-એક રાત રોકાય.

Isudan Gadhviએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અગાઉ આદિવાસી વિસ્તારમાં 2-3 દિવસ રોકાયા હતા, તેવી જ રીતે સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પણ ખેડૂતો સાથે સમય વિતાવે. હાલમાં ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમના બેંક ખાતામાં નાણાં નથી, શિયાળુ પાક માટે પિયતની વ્યવસ્થા નથી અને બીજી તરફ દેવાની ઉઘરાણીના ફોન આવી રહ્યા છે. પીજીવીસીએલના દંડનો પણ ખેડૂતોને સામનો કરવો પડી રહ્યો છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે અનેક વિસ્તારોમાં નર્મદાનું પાણી કે સિંચાઈની સુવિધા તો દૂર, પીવાના પાણીની પણ તંગી છે.

તેમણે પશુઓ માટે ઘાસચારાની અછતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ઇસુદાન ગઢવીના જણાવ્યા અનુસાર દુષ્કાળ જાહેર થયાને એક મહિનો થવા છતાં રાહતનાં કામો શરૂ થયાં નથી. અગાઉ કમોસમી વરસાદમાં ખેડૂતોને બે હેક્ટર દીઠ ₹44,000ની સહાયની સામે આ વખતે જાહેર કરાયેલી માત્ર ₹8,500ની સહાય પણ ખેડૂતોના ખાતામાં જમા થઈ છે કે કેમ તે અંગે તેમણે સવાલ ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રી સ્થળ પર જઈને આ બાબતોની તપાસ કરે અથવા મીડિયા સમક્ષ તમામ સવાલોના જવાબ આપે તેવી માંગણી પણ કરી હતી.

બીજી તરફ દ્વારકાધીશને પ્રાર્થના કરતાં ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર રાજકીય કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી કદાચ ધ્વજા ચઢાવીને પોતાનું પદ અકબંધ રહે અને લોકો પોતાની સમસ્યાઓ ભૂલીને જ્ઞાતિ-જાતિના વાડામાં વહેંચાઈને ફરી ભાજપને મત આપે તેવી પ્રાર્થના કરશે. જોકે, દ્વારકાધીશ મુખ્યમંત્રીને પૂછે કે ખેડૂતો, માલધારીઓ અને ગરીબ વર્ગ મુશ્કેલીમાં છે ત્યારે ગુજરાતના નાથ તરીકે તેમણે પોતાની જવાબદારી કેટલી નિભાવી છે?

Isudan Gadhviએ દ્વારકાધીશને વિનંતી કરી કે મુખ્યમંત્રીને સદબુદ્ધિ આપે, જેથી તેઓ ખેડૂતોના ખાતામાં બે હેક્ટર દીઠ ₹44,000ની સહાય જમા કરાવે અથવા ખેડૂતોનાં દેવા માફ થાય તેવો નિર્ણય લે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે જો ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો મુખ્યમંત્રી જનતાના પૈસે ચાર્ટર પ્લેન અને હેલિકોપ્ટરમાં આવીને માત્ર દર્શન કરીને ગાંધીનગર પરત જતા રહેશે. અંતમાં તેમણે દ્વારકાવાસીઓ વતી સૌનું સ્વાગત કર્યું અને ખેડૂતોને સોશિયલ મીડિયા મારફતે મુખ્યમંત્રીને પોતાના પ્રશ્નો પૂછવા તથા દ્વારકાધીશને પ્રાર્થના કરવા અપીલ કરી.