Gujarat News: ગુજરાતમાં અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર પર ભારતીય સેનાના ચાર માઇક્રોલાઇટ વિમાનોએ સફળતાપૂર્વક લેન્ડિંગ અને ટેકઓફ કર્યું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 754A પર કિલોમીટર 946થી 949 વચ્ચે આ વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી. આ પ્રદર્શન દ્વારા દર્શાવવામાં આવ્યું કે આધુનિક હાઇવેનો ઉપયોગ જરૂર પડ્યે લશ્કરી કામગીરી અને કટોકટીની પરિસ્થિતિમાં વૈકલ્પિક રનવે તરીકે પણ થઈ શકે છે.
ભારતીય સેનાની ‘ટીમ માઉન્ટેન ઇગલ્સ’ દ્વારા ‘વિંગ્સ ઓફ વીરતા અને એકતા અભિયાન’ અંતર્ગત આ કવાયત કરવામાં આવી હતી. તેમાં બે ફિક્સ્ડ-વિંગ માઇક્રોલાઇટ વિમાન અને બે ફ્લેક્સિબલ-વિંગ સંચાલિત હેંગ ગ્લાઇડર્સ સામેલ હતાં. વિમાનોએ હાઇવે પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. ત્યારબાદ ગ્રાઉન્ડ સપોર્ટ ટીમ દ્વારા મોબાઇલ સિસ્ટમથી ઇંધણ ભરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી ભારતીય સેના, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI), રાજ્ય પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રના સંકલનથી પૂર્ણ કરવામાં આવી હતી. કવાયત પહેલાં હાઇવેની સપાટી, પહોળાઈ, માળખાકીય સ્થિતિ અને સલામતીની ચકાસણી કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવ્યો હતો અને કવાયત પૂર્ણ થયા બાદ વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર આ સફળતાની માહિતી શેર કરી હતી. તેમણે ભારતીય સેના અને NHAI વચ્ચેના સંકલનને મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી હતી. ગડકરીએ જણાવ્યું હતું કે આધુનિક હાઇવે માત્ર પરિવહન માટે જ નહીં, પરંતુ દેશની સંરક્ષણ તૈયારીઓ અને કટોકટીની જરૂરિયાતો માટે પણ ઉપયોગી બની શકે છે. તેમણે આ કામગીરીમાં જોડાયેલી તમામ ટીમોને અભિનંદન આપ્યા હતા.
વિંગ્સ ઓફ વીરતા અને એકતા અભિયાન’ની શરૂઆત 14 નવેમ્બર, 2026ના રોજ મહુની મિલિટરી કોલેજ ઓફ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (MCTE) ખાતે કરવામાં આવી હતી. આ અભિયાન મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાંથી પસાર થઈને 28 નવેમ્બરે મહુ ખાતે પૂર્ણ થવાનું છે. તેનો હેતુ ભારતીય સેનાની ઉડ્ડયન ક્ષમતા, સાહસિક પ્રવૃત્તિઓ અને ઓપરેશનલ કૌશલ્યનું પ્રદર્શન કરવાનો છે.




