BREAKING NEWS: રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ (2/3) સભ્યોએ ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાતથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં સાંસદોના પક્ષપલટાથી વિપક્ષની સ્થિતિ પર ઊંડી અસર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટીના હાઇકમાન્ડ વચ્ચેનો ખટરાગ હવે સ્પષ્ટ થઈ ગયો હતો. પંજાબ સરકારની ભગવંત માન સરકારે ચઢ્ઢાની Z+ સુરક્ષા પાછી ખેંચી લીધા બાદ રાજકારણ ગરમાયું હતું. જોકે, આ ઘટનાના થોડા કલાકોમાં જ કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરીને ચઢ્ઢાને Z-કેટેગરી સુરક્ષા પૂરી પાડી હતી. મહત્વપૂર્ણ વાત એ છે કે, આ સુરક્ષા તેમને દિલ્હી અને પંજાબ બંનેમાં ઉપલબ્ધ રહેશે. દિલ્હી પોલીસને સુરક્ષા ઔપચારિકતાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ ઘટના બાદ રાઘવ ચઢ્ઢા અને આપ પાર્ટી વચ્ચે મતભેદો ઉભા થયા હોવાની વાતો ચર્ચા વિષય બની હતો. જે બાદ આજે રાઘવ ચઢ્ઢાએ ભાજપ પાર્ટી જોઈન કરતાં રાજકારણમાં ભૂકંપ મચી ગયો છે. હવે જોવાનું રહેશે આપ પાર્ટી આ મામલે શું પ્રતિક્રિયા આપ છે.




