Anand Murder News: ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેટપુર ગામમાં ઓનર કિલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, કૌશલકુમાર પટેલ નામના પિતા પર પોતાની 21 વર્ષીય પુત્રી સાન્યા પટેલની ગળું દબાવીને હત્યા કરવાનો આરોપ છે. સાન્યા બીજી જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધમાં હતી, જે પિતાને મંજૂર નહોતો. દિવાળીની રાત્રે આ જ મુદ્દે પિતા-પુત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સાન્યા પટેલે વડોદરાથી B.Comનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને છેલ્લા એક વર્ષથી ગામના જ એક યુવક સાથે સંબંધમાં હતી. પોલીસના જણાવ્યા અનુસાર પિતાને આ સંબંધની જાણ હતી, પરંતુ યુવકની અલગ જ્ઞાતિ અને આવકને કારણે તેઓ તેનો વિરોધ કરતા હતા. તેમણે પુત્રીને વારંવાર યુવક સાથે વાતચીત બંધ કરવા અને સંબંધ તોડી નાખવા કહ્યું હતું. જોકે, સાન્યા પોતાના સંબંધમાંથી પાછળ હટવા તૈયાર નહોતી, જેના કારણે પરિવારમાં તણાવ રહેતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર દિવાળીની રાત્રે પરિવારના અન્ય સભ્યો સૂઈ ગયા બાદ પિતા અને પુત્રી વચ્ચે રસોડામાં ફરી આ જ મુદ્દે વાતચીત થઈ હતી. સાન્યાએ સંબંધ તોડવાની ના પાડતાં વિવાદ વધ્યો હતો. આ દરમિયાન આરોપી પિતાએ પુત્રીના દુપટ્ટાથી તેનું ગળું દબાવી દીધું હોવાનો આરોપ છે. સાન્યાનું ગૂંગળામણને કારણે મોત થયું હતું. ત્યારબાદ આરોપીએ ઘટનાને આત્મહત્યા અથવા કુદરતી મૃત્યુ તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાની પણ પોલીસને શંકા છે.
સાન્યાને ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોને તેના મૃત્યુના સંજોગો શંકાસ્પદ લાગ્યા હતા. આથી ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળા પર દબાણને કારણે ગૂંગળામણથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. તબીબી ભાષામાં આ પ્રકારના મૃત્યુને ‘લિગેચર સ્ટ્રેંગ્યુલેશન’ કહેવામાં આવે છે. રિપોર્ટના આધારે પોલીસે હત્યાની દિશામાં તપાસ શરૂ કરી હતી.
પોલીસના દાવા મુજબ પૂછપરછ દરમિયાન કૌશલકુમાર પટેલે પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરતાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ આ ઘટનાને ઓનર કિલિંગના એંગલથી તપાસી રહી છે. બીજી જ્ઞાતિના યુવક સાથેના પ્રેમસંબંધને કારણે થયેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.




