Gujarat News: ઓડિશાના ભુવનેશ્વરમાં 76 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા કરીને સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવવાના કેસમાં ફરાર કેરટેકરની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. હત્યા બાદ આરોપી લુધિયાણા થઈને સુરત પહોંચ્યો હતો અને ત્યાંથી દિલ્હી ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય SOGની સંયુક્ત કાર્યવાહીમાં તેને કરજણ નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી રોકડ રકમ અને સોનાના દાગીના પણ કબજે કર્યા છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આરોપીને પાંચ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ઓડિશા પોલીસને સોંપવામાં આવ્યો છે.
વૃદ્ધ મહિલાનું ગળું દબાવીને હત્યા કરવાનો આરોપ
આ સમગ્ર ઘટના ભુવનેશ્વરના લક્ષ્મીસાગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. 3 નવેમ્બરના રોજ નિવૃત્ત DFOની 76 વર્ષીય પત્ની કુંજલતા નંદાની તેમના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
કુંજલતા નંદા છેલ્લા કેટલાક સમયથી ઘરમાં એકલાં રહેતાં હતાં અને તેમની સંભાળ રાખવા માટે બલભદ્ર રામચરણ મહારાણા (40) નામનો કેરટેકર રાખવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા ચારથી પાંચ મહિનાથી તેમની પાસે કામ કરતો હતો. તે ઓડિશાના ખુર્દા જિલ્લાના ટાંગી ગામનો રહેવાસી છે.
ઘટનાની સવારે ઘરના દરવાજા લાંબા સમય સુધી ખુલ્લા રહ્યા હતા, પરંતુ અંદરથી કોઈ જવાબ મળતો નહોતો. આથી પડોશીઓને શંકા ગઈ હતી. તેમણે દરવાજો તોડીને અંદર તપાસ કરતાં કુંજલતા નંદાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના શરીર અને ગળા પર ઈજાનાં નિશાન હતાં. બીજી તરફ, કેરટેકર ઘરમાંથી ગાયબ હતો, જેના કારણે પોલીસને તેના પર શંકા ગઈ હતી.
₹32 હજાર રોકડા અને 50થી 60 ગ્રામ સોનાની ચોરી
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, વૃદ્ધ મહિલાની હત્યા કર્યા બાદ આરોપીએ ઘરમાંથી આશરે ₹32,000 રોકડા અને 50થી 60 ગ્રામ જેટલા સોનાના દાગીના ચોરી લીધા હતા. ત્યારબાદ તે ભુવનેશ્વરથી ટ્રેન મારફતે પંજાબના લુધિયાણા પહોંચ્યો હતો અને ત્યાંથી ગુજરાતના સુરત આવ્યો હતો.
ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાનું ઠેકાણું બદલતો રહ્યો હતો. તેણે પોતાનો મોબાઇલ ફોન પણ બંધ રાખ્યો હતો. પોલીસની નજરથી બચવા માટે તે રસ્તામાં અજાણ્યા લોકો પાસેથી ફોન ઉધાર લઈને વાતચીત કરતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
દિલ્હી ભાગવાની તૈયારીમાં હતો, કરજણ નજીકથી ઝડપાયો
ઓડિશા પોલીસની ટેકનિકલ તપાસ દરમિયાન આરોપી સુરતમાં હોવાની માહિતી મળી હતી. તે બસ મારફતે દિલ્હી ભાગવાની તૈયારી કરી રહ્યો હોવાની જાણ થતાં ઓડિશા પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય SOGની ટીમોએ સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. બંને ટીમોએ નેશનલ હાઈવે-48 પર કરજણ નજીક નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન એક હોટલ નજીકથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
પાંચ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ઓડિશા પોલીસને સોંપાયો
સુરતના DCP ભાવેશ રોજિયાના જણાવ્યા અનુસાર, આરોપી ભુવનેશ્વરમાં 76 વર્ષીય મહિલાની હત્યા કર્યા બાદ રોકડ અને સોનાના દાગીના લઈને ફરાર થયો હતો. ઓડિશા પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી રોકડ અને સોનાના દાગીના કબજે કર્યા છે. સ્થાનિક કોર્ટમાંથી પાંચ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ તેને ઓડિશા પોલીસને સોંપવામાં આવ્યો છે. હવે ભુવનેશ્વરની લક્ષ્મીસાગર પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરીને હત્યા અને ચોરી અંગેની વિગતો મેળવશે.




