Gujarat News: ગુજરાતના ખંભાતની દીકરી બિલ્કીસ નાઝ મિર્ઝાએ પોતાની મહેનત, સમર્પણ અને આત્મવિશ્વાસના બળે મોટી સફળતા હાંસલ કરી છે. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (HSR) એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પાઇલટ તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. આ સાથે તેઓ આ પદ માટે પસંદગી પામનાર ગુજરાતની પ્રથમ મહિલા બન્યાં છે. દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તેમની પસંદગીથી ખંભાત સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધ્યું છે.
ખંભાતમાં પ્રાથમિક શિક્ષણ, કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ
બિલ્કીસનું પ્રાથમિક શિક્ષણ ખંભાતમાં થયું હતું. ત્યારબાદ તેમણે ધર્મજ સહિત અન્ય સ્થળોએ ઉચ્ચ અભ્યાસ કર્યો. કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. સતત મહેનત અને ટેકનિકલ જ્ઞાનના આધારે તેઓ આજે દેશના મહત્વાકાંક્ષી હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટનો હિસ્સો બન્યાં છે.
અમદાવાદ મેટ્રોથી શરૂ થઈ સફળતાની સફર
જૂન 2021માં બિલ્કીસ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ટ્રેન ઓપરેટર અને સ્ટેશન કંટ્રોલર તરીકે જોડાયાં હતાં. લગભગ પાંચ વર્ષ સુધી તેમણે જવાબદારી, શિસ્ત અને સમર્પણ સાથે કામગીરી કરી. મેટ્રોમાં મળેલા અનુભવ અને ટેકનિકલ કુશળતાએ તેમને હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં આગળ વધવામાં મદદ કરી.
લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં મેળવી સફળતા
HSR પાઇલટની પસંદગી પ્રક્રિયા અંતર્ગત બિલ્કીસે નવી દિલ્હીમાં યોજાયેલી લેખિત પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં પણ સફળતા મેળવી હતી. પસંદગી દરમિયાન અધિકારીઓએ તેમના ટેકનિકલ જ્ઞાન, માનસિક તૈયારી, સતર્કતા અને આત્મવિશ્વાસનું મૂલ્યાંકન કર્યું હતું. જરૂરી માપદંડો પૂર્ણ કર્યા બાદ તેમની પસંદગી કરવામાં આવી.
માતા-પિતાના સમર્થનથી સાકાર થયું સપનું
બિલ્કીસે પોતાની સફળતાનો શ્રેય માતા ગુલનાર બેગમ, પિતા ફયાઝ હુસૈન અને પરિવારને આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ, ખંભાતમાં ઉચ્ચ શિક્ષણની પૂરતી સુવિધાઓ ન હોવા છતાં માતા-પિતાએ તેમના અભ્યાસમાં કોઈ અડચણ આવવા દીધી નહોતી.
પરંપરાગત મુસ્લિમ પરિવારમાંથી આવતાં હોવા છતાં તેમના માતા-પિતાએ તેમની પસંદગી, સપના અને કારકિર્દીને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. પરિવારના પ્રોત્સાહન અને સહકારને કારણે તેઓ આ મુકામ સુધી પહોંચી શક્યાં છે.
સુરતમાં લઈ રહ્યાં છે બુલેટ ટ્રેનની વિશેષ તાલીમ
બિલ્કીસના જણાવ્યા અનુસાર, દેશભરમાંથી બે મહિલાઓની HSR પાઇલટ પદ માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં તેઓ ગુજરાતની પ્રથમ મહિલા છે. અગાઉ પસંદગી પામેલા 16 લોકોના એક જૂથને તાલીમ માટે જાપાન મોકલવામાં આવ્યું હતું. હવે દેશમાં જ તાલીમની વ્યવસ્થા ઉપલબ્ધ છે. હાલમાં બિલ્કીસ સુરતમાં બુલેટ ટ્રેનના સંચાલનને લગતી વિશેષ તાલીમ લઈ રહ્યાં છે.
દીકરીઓને શિક્ષણ અને પોતાની પસંદગીની કારકિર્દી માટે કરી અપીલ
બિલ્કીસનું માનવું છે કે દરેક દીકરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને આત્મનિર્ભર બનાવવી જોઈએ. વિદ્યાર્થીઓએ પોતાના વિષય અને કારકિર્દીની પસંદગી પોતાની રુચિ તથા ક્ષમતાના આધારે કરવી જોઈએ, નહીં કે પરિવાર, સમાજ કે મિત્રો દ્વારા ઊભા થતા દબાણમાં આવીને.
તેમણે ગ્રામીણ વિસ્તારોમાં કારકિર્દી માર્ગદર્શનના અભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમના મતે, વિદ્યાર્થીઓને BA અને BCom જેવા પરંપરાગત અભ્યાસક્રમો ઉપરાંત વિજ્ઞાન, ટેકનોલોજી અને આધુનિક રોજગાર ક્ષેત્રોમાં રહેલી તકો વિશે પણ જાણકારી આપવી જરૂરી છે, જેથી તેઓ પોતાની ક્ષમતા પ્રમાણે યોગ્ય કારકિર્દી પસંદ કરી શકે.




