Karan Barot AAP News: આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારતના લોકો રહે છે અને અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સાથે મળીને સામૂહિક રીતે દિવાળી મનાવે છે. ત્યાં ચોક્કસ સમય અને સ્થળ નક્કી થાય છે, દિવાળી ઉજવાય છે રામાયણના સંદેશને યાદ કરાય છે અને ત્યાં ડ્રોન લાઈટ જેવી આધુનિક ટેકનોલોજી દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, તો ભારત દેશમાં આવું કેમ નથી થતું? ભારત દેશમાં વિશ્વ ગુરુ અને વિકાસની મોટી મોટી વાતો થાય છે તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડવા માટે ઉજવણીની નવી રીતને કેમ અપનાવવામાં આવતી નથી? ભ્રષ્ટાચારને થોડા મહિના બાજુમાં મૂકીને ભાજપના નેતાઓએ આ વિશે વિચાર કરવો જોઈએ, અમે કોઈ રાજકીય પક્ષની વાત નથી કરતા પરંતુ કરોડો લોકોના શ્વાસની વાત કરવા માંગીએ છીએ. ભારતનો અત્યારે મોટો પ્રશ્ન એ છે કે વિકાસની મોટી મોટી વાતોની વચ્ચે ભારત દેશના લોકોને સાફ હવા પણ મળતી નથી.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ડૉ.કરન બારોટે જણાવ્યું હતું કે, આજે વૃદ્ધો અને બાળકો જ્યારે બહાર જાય છે તો આપણને ચિંતા થાય છે અને સવાલ પેદા થાય છે કે વારસામાં આપણે બાળકોને શું શ્વાસની બીમારીઓ આપવા માંગીએ છીએ? આજે વર્લ્ડ એર ક્વોલીટી રિપોર્ટ બોલે છે કે પીએમ 2.5 ફક્ત પાંચ હોવું જોઈએ પરંતુ ભારતમાં એ 50 છે, સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરનો રિપોર્ટ એવું કહે છે કે 229 ભારતીય શહેરોમાંથી 190 શહેરો એવા છે જ્યાં પ્રદૂષણ રાષ્ટ્રીય હવાની ગુણવત્તા ધોરણો કરતાં વધુ છે. મારે સરકારને પૂછવું છે કે જે ફેક્ટરીઓ દ્વારા ઝેરી ધુમાડા છોડવામાં આવે છે, એ લોકો પર કેમ કાર્યવાહી થતી નથી? જે લોકો નદીઓમાં ગંદુ પાણી છોડે છે એ લોકોના લાયસન્સ કેમ રદ થતા નથી? જે લોકો રસ્તા પર ધૂળ અને ધૂળની ડમરીઓ ઉડાવે છે એ લોકોને સરકાર કેમ છાવરે છે? ખાલી વૃક્ષારોપણના ફોટા પોસ્ટ કરવાથી પ્રદૂષણ ઘટતું નથી, પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે મોટા પગલાં પણ લેવા જોઈએ અને વિકસિત દેશોથી શીખવું જોઈએ અને જો વિશ્વ ગુરુ અને વિકાસની મોટી મોટી વાતો કરતા હોય તો એ રીતના પગલાં, એ રીતની ટેકનોલોજી ઉપયોગ કરીને ભારત દેશના યુવાનોને પ્રદૂષણમાંથી મુક્તિ આપો નહિતર યુવાનો રોડ પર ઉતરશે અને યુવાનોને આવડે છે કે કઈ રીતે પ્રદૂષણ દૂર કરવું અને કઈ રીતે દેશને ચલાવવો.