Ahmedabad News: અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યૂ સોસાયટીની બહાર દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ફટાકડા ફોડતા કેટલાક યુવાનોને રોકતાં મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ 20થી 25 લોકોનું ટોળું લાકડીઓ અને અન્ય હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસી ગયું હોવાનો આરોપ છે. ટોળાએ સોસાયટીમાં તોડફોડ કરી હતી અને રહેવાસીઓ પર હુમલો કર્યો હતો. ઘટનામાં 4થી 5 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ કેસમાં 7 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.

ફટાકડાના તણખા પડતાં થયો વિવાદ

મળતી માહિતી મુજબ એમ્પાયર સ્કાયવ્યૂ સોસાયટીની બહાર કેટલાક યુવાનો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડાના તણખા સોસાયટીના સભ્યો પર પડતાં જીગર પટેલે યુવાનોને ફટાકડા ફોડતા રોક્યા હતા. આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.

20થી 25 લોકોનું ટોળું હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસ્યું

વિવાદ વધતાં ફટાકડા ફોડતા યુવાનોએ પોતાના મિત્રોને ફોન કરીને બોલાવ્યા હતા. થોડી જ વારમાં 20થી 25 લોકોનું ટોળું લાકડીઓ અને અન્ય હથિયારો સાથે સોસાયટીમાં આવી પહોંચ્યું હતું. આરોપ છે કે ટોળાએ સોસાયટીના પરિસરમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન ખુરશીઓ અને ફૂલનાં કુંડાં તોડી નાખવામાં આવ્યાં હતાં તેમજ ત્યાં હાજર લોકો પર લાકડીઓ અને સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો.

સ્વબચાવમાં પિસ્તોલથી હવામાં 2થી 3 રાઉન્ડ ફાયરિંગ

હુમલા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસતાં સોસાયટીના સભ્ય રાકેશ પટેલે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં 2થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, પોતાને અને અન્ય રહેવાસીઓને બચાવવા માટે તેમણે હવામાં ગોળીબાર કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. જોકે પોલીસે આ ફાયરિંગની કાયદેસરતા અને સંજોગોની પણ તપાસ શરૂ કરી છે.

4થી 5 લોકો ઘાયલ, એક કર્મચારીને માથામાં 12 ટાંકા

આ હિંસક અથડામણમાં સોસાયટીના 4થી 5 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઓફિસનો એક કર્મચારી પણ સામેલ હતો, જેને માથામાં ગંભીર ઈજા થતાં 12 ટાંકા લેવા પડ્યા હતા. તમામ ઘાયલોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ 15 લોકો સામે FIR

ઘટનાની જાણ થતાં બોડકદેવ અને સોલા પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. સોસાયટીના સભ્યની ફરિયાદના આધારે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં કુલ 15 લોકો સામે નામજોગ FIR નોંધવામાં આવી છે.

7 મુખ્ય આરોપીઓની ધરપકડ, બંને પક્ષના 19 લોકોની પૂછપરછ

પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ઘટનામાં સંડોવણીના આરોપસર 7 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત બંને પક્ષના કુલ 19 લોકોને અટકાયતમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલામાં અન્ય કોણ-કોણ સામેલ હતું અને દરેકની ભૂમિકા શું હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

તપાસના ભાગરૂપે પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓને સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યૂ સોસાયટીમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન આરોપીઓને સ્થાનિક લોકોની સામે ઊભા રાખીને માફી મંગાવવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

પિસ્તોલથી ફાયરિંગ કરનાર સોસાયટીના સભ્યની પણ તપાસ

બીજી તરફ, રાકેશ પટેલે લાઇસન્સવાળી પિસ્તોલથી કરેલા હવામાં ફાયરિંગ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. ગોળીબાર કયા સંજોગોમાં કરવામાં આવ્યો, તે સ્વબચાવની પરિસ્થિતિમાં હતો કે નહીં અને કાયદાકીય રીતે તે કેટલું યોગ્ય હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર ઘટનાના તમામ પાસાં તપાસીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.