Gujarat: આ વર્ષે ચોમાસા દરમિયાન રાજ્યના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં નહિવત વરસાદ થયો છે. ઓછા વરસાદને કારણે ઉભી થયેલી અછતને ધ્યાનમાં રાખીને સરકારે પશુપાલકો માટે ઘાસચારાના રેશનિંગ જેવી યોજનાઓ શરૂ કરી છે. આ ચાર દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના પશુપાલકોને તેમના પશુઓને ખવડાવવા માટે રાહત દરે સબસિડીવાળો ચારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માહિતી આપતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ‘આ યોજના હેઠળ 1 થી 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 2 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે સરકારી ઘાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે પોરબંદર શહેરમાં ગ્રાસ ડેપો શરૂ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓમાં પણ ડેપો શરૂ કરવામાં આવશે. જે પશુપાલકો પાસે હજુ સુધી ગ્રાસ કાર્ડ નથી તેઓને પણ વહેલી તકે તેમના કાર્ડ બનાવી લેવા અપીલ કરવામાં આવી છે.
રોજગારી અને પીવાના પાણી માટે આગોતરૂ આયોજન કરવાનો દાવો
ઓછા વરસાદને કારણે કૃષિ કામદારોની આજીવિકા પર અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ‘જી રામ જી’ યોજના હેઠળ રોજગાર આપવામાં આવશે. આ ઉપરાંત પોરબંદર સહિત અન્ય વિસ્તારોમાં ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે જળસંપત્તિ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. હાલમાં ફોદાળા અને ખંભાળા ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી છે, પરંતુ ભવિષ્યમાં પાણીનું સ્તર ઘટશે તો નવા કુવાઓ ખોદીને નર્મદા પાઈપલાઈન દ્વારા પાણી પુરવઠો ચાલુ રાખવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
ચોમાસા બાદ પાકના નુકસાનનો સર્વે કરવામાં આવશે
લાંબા વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે ચોમાસું પૂરું થયા બાદ આકારણી અને સર્વેની કામગીરી નિયમો અનુસાર કરવામાં આવશે. ત્યારબાદ સરકારના નિયમો મુજબ ખેડૂતોને વળતર આપવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.




