Ahmedabad News: અમદાવાદના શ્યામલ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે દહેજ ઉત્પીડન, મારપીટ અને નાણાકીય શોષણના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ લગ્નના થોડા જ મહિનાઓમાં સાસરિયાઓએ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું તેમજ તેના પાસેથી સોનાના દાગીના અને મોટી રકમ પડાવી લીધી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર, પરિણીતાના લગ્ન નવેમ્બર 2025માં સાણંદ-સરખેજ રોડ વિસ્તારમાં રહેતા અમિત પટેલ સાથે થયા હતા. લગ્નના બે મહિના બાદથી જ પતિ અને સાસુ ગીતાબહેન પટેલ દ્વારા દહેજને લઈને મેણા-ટોણા મારવા, મારપીટ કરવા અને ધમકીઓ આપવાનો સિલસિલો શરૂ થયો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે પતિએ તેનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો અને માતા-પિતા સાથે સંપર્ક કરવા તેમજ ઘરની બહાર જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.
પરિણીતાના જણાવ્યા મુજબ સાસરિયાઓએ તેના પાસેથી 35 તોલા સોનાના દાગીના બળજબરીથી લઈ લીધા હતા. ઉપરાંત પિયર પક્ષ પાસેથી લાખો રૂપિયા લીધા બાદ નાણાકીય ગેરરીતિ આચરી હતી. ફરિયાદમાં 32 લાખ રૂપિયાની લેવડદેવડ, ચેક બાઉન્સ, 8 લાખ રૂપિયા દહેજ તરીકે ગણવાની માંગ, ક્રેડિટ કાર્ડમાંથી અંદાજે 1.40 લાખ રૂપિયાનો ખર્ચ તેમજ પરિણીતાના નામે લોન લેવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
પરિણીતાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે અગાઉ પોલીસમાં અરજી કર્યા બાદ પતિ અને સાસુએ મારપીટ કરીને બધું સામાન્ય હોવાનું દર્શાવતું વીડિયો નિવેદન અને લેખિત નિવેદન બળજબરીથી તૈયાર કરાવ્યું હતું. સતત ત્રાસથી કંટાળીને તે 11 જુલાઈના રોજ સાસરિયાના ઘરેથી નીકળી પોતાના પિયર પહોંચી હતી.
પિયર પહોંચ્યા બાદ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને પતિ તથા સાસુ સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.




