Gujarat News: ગુજરાતમાં ચોમાસાના બે તબક્કા પૂર્ણ થયા હોવા છતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું વિતરણ અસમાન રહ્યું છે. પરિણામે મુખ્ય 207 ડેમોમાં હાલ કુલ 68.52 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે, જે ગયા વર્ષની સમાન તારીખે નોંધાયેલા 72.17 ટકાની સરખામણીએ ઓછો છે. સરદાર સરોવર ડેમને બાદ કરતાં રાજ્યના 206 ડેમોમાં માત્ર 62.63 ટકા પાણીનો સંગ્રહ છે. હાલમાં 27 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 34 ડેમ હાઈ એલર્ટ, 10 એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ સ્થિતિમાં છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સ્થિતિ ગયા વર્ષની સરખામણીએ લગભગ યથાવત રહી છે. ડેમમાં કુલ 9,460 MCM ક્ષમતા સામે 7,412 MCM પાણી સંગ્રહાયેલું છે અને ડેમ 78.35 ટકા ભરાયેલો છે. ડેમનું જળસ્તર 132.10 મીટર નોંધાયું છે, જ્યારે મહત્તમ ક્ષમતા 138.68 મીટર છે. હાલમાં ડેમમાં 46,375 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 1,984 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઝોનવાર સ્થિતિમાં દક્ષિણ ગુજરાત સિવાય તમામ વિસ્તારોમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં પાણીનો જથ્થો 41.96 ટકા છે, જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 55.82 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 52.94 ટકા અને કચ્છના 20 ડેમોમાં માત્ર 25.49 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 73.45 ટકા પાણીનો સંગ્રહ છે અને અહીં 9 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે.
2025 અને 2026ની સરખામણીમાં સૌથી મોટો ઘટાડો કચ્છમાં નોંધાયો છે. ગયા વર્ષે કચ્છના ડેમોમાં 54.79 ટકા પાણી હતું, જ્યારે આ વર્ષે તે ઘટીને માત્ર 25.49 ટકા રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ પાણીનો જથ્થો 62.55 ટકાથી ઘટીને 41.96 ટકા થયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 78.22 ટકાથી ઘટીને 55.82 ટકા રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ પાણીનો સંગ્રહ 66.12 ટકાથી ઘટીને 52.94 ટકા થયો છે. એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ સુધારો નોંધાયો છે, જ્યાં પાણીનો જથ્થો 68.41 ટકાથી વધીને 73.45 ટકા થયો છે.
રાજ્યમાં વરસાદના આગામી તબક્કા પર હવે ખેડૂતો અને જળસંપત્તિ વિભાગની નજર છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળસંગ્રહની સ્થિતિ ચિંતાજનક હોવાથી આગામી દિવસોમાં સારો અને વ્યાપક વરસાદ અત્યંત જરૂરી માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ અને ડેમોમાં વધેલા જળસંગ્રહથી રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.




