Patan News: પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે યોજાયેલા સાત દિવસીય કાર્તિક પૂર્ણિમા કાત્યોક મેળામાં ઊંટોની મોટા પાયે ખરીદી અને વેચાણ થયું હતું. 22થી 28 નવેમ્બર દરમિયાન યોજાયેલા આ મેળામાં 2,000થી વધુ ઊંટ વેચાણ માટે લાવવામાં આવ્યા હતા. વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે 300થી વધુ ઊંટોની ખરીદી અને વેચાણ થયું હતું. ઊંટોની કિંમત તેમની જાતિ અને ગુણવત્તા પ્રમાણે આશરે 20 હજારથી 1.5 લાખ રૂપિયા સુધી રહી હતી.
મેળામાં રાજસ્થાનના બાડમેર, જાલોર, સાંચોર, જેસલમેર, બિકાનેર અને નાગૌર સહિતના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના વેપારીઓ ઊંટોના વેપાર માટે પહોંચ્યા હતા. વેપારીઓએ 20 હજારથી 70 હજાર રૂપિયા સુધીના ભાવે ઊંટોની ખરીદી અને વેચાણ કર્યું હતું. સિદ્ધપુરનો કાત્યોક મેળો ઊંટોના વેપાર માટે ગુજરાત અને રાજસ્થાનના વેપારીઓનું મહત્વનું કેન્દ્ર બન્યો છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, ભાટિકા ચિહ્નવાળા ઊંટોને ઉચ્ચ જાતિના ગણવામાં આવે છે. બિકાનેરી ઊંટની ઓળખ તેના કાન અને નાક પરના વાળથી, જ્યારે જેસલમેરી ઊંટની ઓળખ તેના રંગ અને કાન-આંખો પાસેના વાળથી થાય છે. જેસલમેરી ઊંટ 35થી 40 હજાર, બિકાનેરી 30થી 35 હજાર, દેશી 20થી 30 હજાર અને મારવાડી ઊંટ 30થી 42 હજાર રૂપિયામાં વેચાય છે. ભાટીબા અને નાયડ જાતિના ઊંટોની કિંમત 50 હજારથી એક લાખ રૂપિયા સુધી હોય છે.
રાજસ્થાનના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, ઊંટનો ઉપયોગ ખેતીકામમાં પણ કરવામાં આવે છે. ખાસ કરીને જીરાના પાક માટે ખેતર ખેડવા, કૂવામાંથી પાણી ખેંચવા અને દૂરના સ્થળોએ પાણી લઈ જવા ઊંટ ઉપયોગી બને છે. બાડમેર, સાંચોર અને જાલોર જેવા વિસ્તારોમાં કેટલાક ખેડૂતો પાસે 50થી 70 ઊંટ પણ હોય છે. આ કારણે સિદ્ધપુરના કાત્યોક મેળામાં દર વર્ષે રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતો તથા વેપારીઓ ઊંટની ખરીદી-વેચાણ માટે મોટી સંખ્યામાં આવે છે.




