trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનમાં પાંચ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડને “શાનદાર” ઓપરેશન ગણાવ્યું છે. તેમનો દાવો છે કે ધરપકડ કરાયેલા લોકો એવા લશ્કરી મથકને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા જ્યાં અમેરિકી સૈનિકો અને વિમાનો તૈનાત છે. રવિવારે (27 સપ્ટેમ્બર) બ્રિટનના એક ગામમાં રોયલ એર ફોર્સ (RAF) બેઝ નજીક પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એવી આશંકા છે કે તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો અને દેશની આતંકવાદ-વિરોધી પોલીસે તપાસ શરૂ કરી છે. આ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓપરેશનની પ્રશંસા કરતું નિવેદન આપ્યું હતું.
શિકાગોની મુલાકાત દરમિયાન, ટ્રમ્પે દાવો કર્યો હતો કે ધરપકડ કરાયેલા પાંચ લોકો બ્રિટિશ બેઝ પર મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા, જ્યાં અમેરિકી સૈનિકો અને વિમાનો હાજર હતા. તેમણે કહ્યું, “બ્રિટનમાં થયેલી ધરપકડ શાનદાર હતી. બ્રિટન સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો. અમે તેમના પર નજર રાખી રહ્યા હતા. તેઓ અમારા મજબૂત મથકને ભારે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને બ્રિટિશરો સાથે કામ કરવું ખૂબ અસરકારક સાબિત થયું.” તેમણે ઉમેર્યું, “અમે લાંબા સમયથી તેમના પર નજર રાખી રહ્યા હતા અને આખરે અમે તેમને પકડી લીધા.”
પોલીસે 5 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ યુનિટને રાત્રે 12:45 વાગ્યે એક ફોન આવ્યો હતો જેમાં દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડમાં RAF ફેરફોર્ડ તરફ જઈ રહેલા ત્રણ શંકાસ્પદ વાહનો વિશે માહિતી આપવામાં આવી હતી, જેના પગલે સજ્જ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ગ્લોસ્ટરશાયરના વેલફોર્ડ વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થ અધિનિયમ (Explosives Act) અને આતંકવાદ વિરોધી અધિનિયમ (Terrorism Act) હેઠળ ગુનો આચરવાનું કાવતરું ઘડવાની શંકાના આધારે પાંચ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. એક નિવેદનમાં પોલીસે કહ્યું, “આતંકવાદ-વિરોધી પોલીસ હવે પુષ્ટિ કરી શકે છે કે તેઓ ગ્લોસ્ટરશાયરમાં RAF ફેરફોર્ડ નજીક રાત્રિ દરમિયાન બનેલી ઘટનાની તપાસ કરી રહ્યા છે.”
પાંચ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ચાલુ
આતંકવાદ-વિરોધી પોલીસિંગ માટેના વરિષ્ઠ રાષ્ટ્રીય સંયોજક વિકી ઇવાન્સે જણાવ્યું હતું કે તપાસ તેના પ્રારંભિક તબક્કામાં છે અને પાંચ વ્યક્તિઓની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, “તમે અપેક્ષા રાખો છો તેમ, અમે આ ઘટનાને લગતી પરિસ્થિતિઓને સમજવા માટે અમારા ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવા અને સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગ્લોસ્ટરશાયર પોલીસ સાથે સંકલન સાધી રહ્યા છીએ.”
85 ઘરો ખાલી કરાવવામાં આવ્યા
તેમણે ઉમેર્યું, “શંકાસ્પદ વાહનોની આસપાસ 400 મીટરનો સુરક્ષા ઘેરો (કોર્ડન) બનાવવામાં આવ્યો છે અને સેનાનું વિસ્ફોટક નિકાલ દળ (EOD) તેની તપાસ કરી રહ્યું છે. સાવચેતીના પગલા રૂપે, તપાસ દરમિયાન લગભગ 85 ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે.”
અગાઉ, ગ્લોસ્ટરશાયર પોલીસે જાહેરાત કરી હતી કે એક મોટી દુર્ઘટના ટળી છે અને જણાવ્યું હતું કે બ્રિટિશ સેનાએ ઘટનાસ્થળે તેનું બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બોમ્બ નિષ્ક્રિય કરનાર દળ) તૈનાત કર્યું છે. આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ રિચાર્ડ ઓકોને જનતાને અપીલ કરી હતી કે તેઓ અટકળોથી દૂર રહે અને માહિતી માટે અધિકૃત માધ્યમો પર આધાર રાખે.




