પુણે ‘પોર્શ’ કાર અકસ્માત કેસમાં પોલીસે મોટો દાવો કર્યો છે. પોલીસનું કહેવું છે કે પોર્શ કાર અકસ્માતમાં સામેલ સગીરના પિતા અને સાસૂન જનરલ હોસ્પિટલના ડૉ. અજય તાવડે કલ્યાણી નગરમાં થયેલા અકસ્માત બાદ સતત સંપર્કમાં હતા. ડો.તાવડેની સાથે પોલીસે અન્ય એક ડોક્ટર અને હોસ્પિટલના એક કર્મચારીની ધરપકડ કરી છે.

પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. અજય તાવડેએ લોહીના નમૂના લેવાના બે કલાકમાં સગીરના પિતા સાથે 14 વખત ફોન પર વાત કરી હતી.

અહેવાલ મુજબ, સોમવારે ડો. તાવડે અને અન્ય બેના રિમાન્ડની માંગણી કરતી વખતે પોલીસે સ્થાનિક કોર્ટને જણાવ્યું હતું કે, તેમને જાણવા મળ્યું છે કે આરોપીઓએ સગીરના લોહીના નમૂના બદલવા માટે લાંચ લીધી હતી. પોલીસ તપાસ મુજબ, સગીરના લોહીના નમૂનાને ડસ્ટબીનમાં ફેંકવામાં આવ્યા હતા અને તેની જગ્યાએ દારૂની હાજરી જાણવા માટે અન્ય વ્યક્તિના લોહીના નમૂનાને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

ડૉ. તાવડેની ધરપકડ કર્યા પછી, પોલીસે હૉસ્પિટલના શબઘરમાં કામ કરતા કેઝ્યુઅલ્ટી મેડિકલ ઑફિસર ડૉ. શ્રીહરિ હલનોર અને અતુલ ઘાટકમ્બલે સાથે જોડાયેલા સ્થળની તપાસ કરી. પોલીસે ડૉ. હલનોર પાસેથી રૂ. 2.5 લાખ અને ઘાટકમ્બલે પાસેથી રૂ. 50,000 રિકવર કર્યા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘હાલનોર અને ઘાટકમ્બલે પાસેથી વસૂલ કરાયેલી રકમને તેમને મળેલા કટ તરીકે ગણવામાં આવે છે. પરંતુ તપાસનું મુખ્ય ફોકસ હવે ડો. તાવડેના નાણાકીય વ્યવહારો પર છે, તેમને કેટલા પૈસા મળ્યા કે વચન આપ્યું અને કોણે આપ્યું તેની તપાસ કરવામાં આવશે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “બીજું મહત્ત્વનું પાસું છે લોહીના નમૂના જે તેઓએ સગીર સાથે બદલ્યા હતા.” અમારી તપાસ જણાવે છે કે ટેસ્ટને નિષ્ફળ બનાવવા માટે નમૂનામાં ફેરફાર કરવાનો અને બ્લડ આલ્કોહોલ કોન્સન્ટ્રેશન ટેસ્ટ સાથે ચેડા કરવાનો ડો. તાવડેનો વિચાર હતો.’ મંગળવારે સાંજે, પોલીસે પૂણે કેમ્પ વિસ્તારમાં ડો. તાવડેના ઘરે વધુ તપાસ હાથ ધરી હતી.

તાવડે અને આરોપી કેવી રીતે સંપર્કમાં આવ્યા?

અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું, ’19 મેના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ સસૂન હોસ્પિટલમાં સગીરનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. કોલ ડીટેઈલ રેકોર્ડનું વિશ્લેષણ દર્શાવે છે કે તેના બે કલાક પહેલા ડો. તાવડે અને સગીરના પિતા વચ્ચે 14 કોલ એક્સચેન્જ થયા હતા. આ કોલ્સ WhatsApp, FaceTime અને સ્ટાન્ડર્ડ સેલ્યુલર કનેક્શન પર પણ કરવામાં આવ્યા હતા.

અધિકારીએ કહ્યું, ‘તપાસ દરમિયાન, આ કોલ્સની વિગતો ટેકનિકલ વિશ્લેષણ દ્વારા મેળવવામાં આવી છે. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે આરોપીના પિતા તાવડેના સંપર્કમાં કેવી રીતે આવ્યા અને તેમની વચ્ચે મધ્યસ્થી કરનાર અન્ય કોઈ હતું કે કેમ.