pakistan: સમગ્ર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ અને હિંસક ઘટનાઓમાં સેનાના જવાનો અને નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા નવ મહિનામાં થયેલા હુમલાઓની શ્રેણીમાં અત્યાર સુધીમાં ૧,૦૦૦થી વધુ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ અને હિંસક ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોવાના અહેવાલો છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીના આંકડા મુજબ, આ વર્ષે દેશમાં આતંકવાદી અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી ૧,૦૯૮થી વધુ ઘટનાઓ બની છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ૧૩૦થી વધુ હુમલા નોંધાયા હતા. આ ઘટનાઓમાં નાગરિકો અને પાકિસ્તાની સુરક્ષા દળો બંનેને ભારે જાનહાનિ વેઠવી પડી છે.

‘પાકિસ્તાન સિક્યુરિટી વોચ’ના આંકડા સૂચવે છે કે ૧ જાન્યુઆરીથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન આતંકવાદી હુમલાઓ અને અન્ય હિંસક ઘટનાઓમાં ૭૦૦થી વધુ નાગરિકોના મોત થયા છે. આ આંકડામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન માર્યા ગયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. દરમિયાન, એવા અહેવાલ છે કે પાકિસ્તાની સુરક્ષા દળોના ૧,૦૮૦થી વધુ જવાનોએ જીવ ગુમાવ્યા છે.

પાકિસ્તાની સુરક્ષા દળોને ભારે નુકસાન
અહેવાલ મુજબ, પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા દળો અને પોલીસને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પેશાવરના બુધ ભેર વિસ્તારમાં સીટીડી (CTD) પોલીસ સ્ટેશન પરના હુમલાઓ તેમજ ડેરા બુગ્તી, દરાઝિંદા (ડેરા ઈસ્માઈલ ખાન), તુર્બત, કુર્રમ, હંગુ અને કોહાટ પોલીસ લાઈન્સમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાઓએ પાકિસ્તાનની આંતરિક સુરક્ષા વ્યવસ્થા અને આતંકવાદનો સામના કરવાની તેની રણનીતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. વર્ષ ૨૦૨૫માં ૧,૩૧૭ સુરક્ષાકર્મીઓનાં મોત
‘પાકિસ્તાન સિક્યુરિટી વોચ’ના અંદાજ મુજબ, જો હુમલાઓનો વર્તમાન દોર ચાલુ રહેશે, તો ડિસેમ્બર ૨૦૨૬ના અંત સુધીમાં પાકિસ્તાની સુરક્ષાકર્મીઓના મૃત્યુઆંક ૧,૬૦૦ થી ૧,૭૦૦ની વચ્ચે પહોંચી શકે છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૫માં પાકિસ્તાનના સુરક્ષા તંત્રના ૧,૩૧૭ જવાનોએ જીવ ગુમાવ્યા હતા; ૧૯૭૧ પછી કોઈ એક વર્ષમાં થયેલી જાનહાનિની ​​આ સૌથી મોટી સંખ્યા છે.

આતંકવાદનો સામનો કરવામાં પીટીઆઈ (PTI) સરકારની બેદરકારી
દરમિયાન, પાકિસ્તાનના સત્તાધારી પક્ષ પીએમએલ-એન (PML-N) એ ‘ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા સ્થિતિ અંગેનું શ્વેતપત્ર’ (White Paper) બહાર પાડ્યું છે. આ દસ્તાવેજમાં મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીના નેતૃત્વવાળી પીટીઆઈ સરકાર પર આતંકવાદનો સામનો કરવામાં ગેરવહીવટ અને બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ખૈબર પખ્તુનખ્વાના મામલાઓ માટે વડાપ્રધાનના માહિતી સંયોજક (Information Coordinator) એવા ઈખ્તિયાર વલી ખાન દ્વારા રજૂ કરાયેલ આ દસ્તાવેજમાં પ્રાંતમાં વધતી જતી આતંકવાદી ઘટનાઓ અને પોલીસકર્મીઓના મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.