કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેરળમાં ચોમાસાએ દસ્તક આપી છે. કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસું પહોંચ્યું છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે. કેમ કે, આ વખતે ચોમાસું સારું અને લાંબું રહેવાનું અનુમાન છે.

સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થયું હોય છે, ત્યારે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે, દેશમાં ચોમાસાએ દસ્તક દીધી છે. ચોમાસું કેરળ પહોંચ્યું છે. આ વખતે ચોમાસું બે દિવસ વહેલું પહોંચ્યું છે. તેમજ આગામી 7-8 તારીખ સુધી ચોમાસું મુંબઇ સુધી પહોંચી શકે છે. ત્યાર બાદ લગભગ અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે.

આ વખતે ચોમાસાએ અનોખી રીતે એન્ટ્રી કરી છે. દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે. આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી કરી છે. હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે.

હવામાન વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તેમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું હતું. આ વખતે ચોમાસું ખૂબ સારું રહેવાનું છે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. નોંધનીય છે કે, ગત વર્ષે એટલે કે 2023માં ભારતમાં ચોમાસું આઠ દિવસ મોડું પહોંચ્યું હતું. ગત વર્ષે 8 જૂને ચોમાસાએ દસ્તક દીધી હતી. જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું મોડું પહોંચ્યું હતું. આવામાં ચાલુ વર્ષે ચોમાસાએ સમય કરતાં બે દિવસ પહેલા દસ્તક દેતાં ગુજરાત સુધી ચોમાસું સમયસર પહોંચે તેવું અનુમાન છે.