દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીને લઇને લોકો ત્રાહિમામ છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસો સુધી દિલ્હીમાં ગરમી યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 મે સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગરમી અને હીટ વેવની અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત જમ્મુ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હીટ વેવની અસર જોવા મળશે.

દિલ્હીમાં શનિવારે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન મતદાન થયું હતું. આકરી ગરમી વચ્ચે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે દિલ્હીનું તાપમાન 46.9 ડિગ્રી સેલ્સિયસ હતું. જે સામાન્ય કરતાં લગભગ 7 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.

આગામી ચાર દિવસ માટે દિલ્હી NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગરમીના કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે હવામાન વિભાગે 28 મે સુધી રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં રાત્રિના સમયે તાપમાન વધુ રહેવાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે શનિવારે દેશના ઘણા ભાગોમાં ગરમીના મોજાથી લઈને તીવ્ર ગરમી સુધીની સ્થિતિ પ્રવર્તી રહી છે.

હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરમાં જ રહેવાની સલાહ
ભારે ગરમી અને હીટ વેવને જોતા હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરમાં જ રહેવા જણાવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે બપોરના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી હીટ વેવ અને ગરમી ચરમસીમા પર હોય છે અને તેથી ગરમીના મોજાને કારણે બીમાર થવાથી બચવા માટે લોકોએ ઘરની અંદર રહેવું ખૂબ જ જરૂરી છે.