શાહદરાના વિવેક વિહાર સ્થિત ન્યુ બોર્ન બેબી કેર હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં સાત નવજાત બાળકોના મોત થયા છે. પાંચ બાળકો અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાંથી 12 નવજાત બાળકોને બચાવી લેવાયા હતા. જે પૈકી છ બાળકોનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે એકનું પહેલા જ મોત નીપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં આગ ઓક્સિજન સિલિન્ડર ફાટવાના કારણે લાગી હતી.

બેબી કેર સેન્ટરમાં આગ લાગતા જ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘોંઘાટ વચ્ચે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. થોડી જ વારમાં આગ ઉપરના માળે લપેટમાં આવી ગઈ હતી. પોલીસ અને ફાયર વિભાગની સાથે આસપાસના લોકોએ બિલ્ડીંગની પાછળની બારીઓ તોડી નાખી અને એક પછી એક નવજાત બાળકોને બહાર કાઢ્યા.

ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને એક પછી એક બાળકોને બચાવવાનું શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે બિલ્ડિંગમાંથી 12 નવજાત બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી છના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે એક બાળકને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. પાંચ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી એકની હાલત પણ નાજુક છે.

શનિવારે રાત્રે લગભગ 11:32 વાગ્યે, દિલ્હીના શાહદરા વિસ્તારમાં IIT બ્લોક બી, વિવેક વિહાર સ્થિત બેબી કેર સેન્ટરમાં આગ લાગી હતી. માહિતી મળતા જ ફાયરની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર બાળ સંભાળ કેન્દ્રમાં બાળકો અને સ્ટાફ હાજર હતો.

ગેસ રિફિલિંગ દરમિયાન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો

મળતી માહિતી મુજબ ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરતી વખતે સિલિન્ડર ફાટ્યો હતો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને બિલ્ડિંગમાં ફસાયેલા સ્ટાફ અને નવજાત બાળકોને બચાવવાનું શરૂ કર્યું હતું. મોડી રાત સુધીમાં તમામને બચાવી લેવાયા હતા. એક નવજાત મૃત હાલતમાં મળી આવ્યું હતું. નવજાત બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન છ નવજાત બાળકોના મોત થયા હતા.

ફાયર વિભાગના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર સહિત ત્રણ માળની ઈમારત સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી એક વાન પણ સંપૂર્ણપણે બળી ગઈ હતી. ઘટનાસ્થળે ધમાલ વચ્ચે ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

આ મામલે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે સ્વાસ્થ્ય સચિવ દીપક કુમાર અને મુખ્ય સચિવ નરેશ કુમારને સૂચના આપી છે. તેમણે ઘટનાની ત્વરિત તપાસ કરવા અને બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અથવા ખાનગી વ્યક્તિઓના નામ અને હોદ્દો પ્રદાન કરવા, શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલોમાં (ફરિશ્તે યોજના હેઠળ) બચાવેલા બાળકોની મફત સારવાર સુનિશ્ચિત કરવા, મૃતકોના પરિવારોને તાત્કાલિક વળતર આપવાની હાકલ કરી અને આ સેન્ટર ચલાવનારાઓને ઝડપી લેવા સૂચના આપવામાં આવી છે.