Surat Hit and Run Case: સુરતની સિવિલ હોસ્પિટલ નજીક આવેલા બ્રિજ પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 22 વર્ષીય વિદ્યાર્થીની સ્નેહા ધોરીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સ્નેહા ઇલેક્ટ્રિક મોપેડ પર કોલેજ જતી હતી ત્યારે એક કાર ચાલકે તેને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક વાહન રોક્યા વિના ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ સ્નેહાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.
સ્નેહા મનોવિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી હતી અને ભવિષ્યમાં મનોચિકિત્સક બની સમાજની સેવા કરવાનું તેનું સ્વપ્ન હતું. તેના પિતા પ્રકાશભાઈ ધોરી સુરતમાં ભરતકામનું કારખાનું ચલાવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ અકસ્માત દરમિયાન સ્નેહાને ગંભીર આંતરિક ઈજાઓ થઈ હતી. તેની પીઠ પર ટાયરના નિશાન પણ મળ્યા હોવાથી ટક્કર બાદ કાર તેના પર ફરી વળી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર અકસ્માતને કારણે સ્નેહાને ભારે આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો અને શરીરના અનેક મહત્વના અંગોને નુકસાન પહોંચ્યું હતું. તમામ પ્રયાસો છતાં ડોક્ટરો તેને બચાવી શક્યા નહોતા. પરિવારજનોએ જણાવ્યું કે સ્નેહાએ થોડા સમય પહેલાં આંખનું ઓપરેશન પણ કરાવ્યું હતું.
પુત્રીના નિધનના અસહ્ય દુઃખ વચ્ચે પરિવારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં તેની આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો. સ્નેહા તેના માતા-પિતા અને ભાઈ સાથે સુરતના બોમ્બે માર્કેટ નજીક નવજીવન સોસાયટીમાં રહેતી હતી. પરિવારના આ નિર્ણયની વિવિધ વર્તુળોમાં પ્રશંસા થઈ રહી છે.
અકસ્માત બાદ ખટોદરા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે હિટ એન્ડ રન તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સિવિલ હોસ્પિટલ બ્રિજ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. ફરાર ડ્રાઈવરની ઓળખ કરી તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.




