Surat News: સુરતમાં માન્ય તબીબી ડિગ્રી કે જરૂરી લાયકાત વિના દર્દીઓની સારવાર કરતા હોવાના આરોપમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને જિલ્લા આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે ડિંડોલી અને નવાગામ વિસ્તારમાં અનેક ક્લિનિક પર દરોડા પાડીને આ કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સીરપ અને તબીબી સાધનો સહિત કુલ ₹95,138નો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સુરત પોલીસ કમિશનરની સૂચના બાદ માન્ય તબીબી લાયકાત વિના અથવા કથિત નકલી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતા લોકો સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. SOGની ટીમે પહેલાં ડમી દર્દીઓ મોકલીને પ્રાથમિક તપાસ કરી હતી. માહિતીની ખરાઈ થયા બાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ બી. પટેલના સંકલનમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમો બનાવવામાં આવી હતી અને એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
કેટલાક આરોપીઓ 12મા પાસ, તો કેટલાક હોસ્પિટલમાં કમ્પાઉન્ડર
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓ માત્ર 10મા કે 12મા ધોરણ સુધી ભણેલા છે. જ્યારે કેટલાક અગાઉ વિવિધ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર અથવા નર્સ તરીકે કામ કરતા હતા. આરોપીઓ ડિંડોલી અને નવાગામ વિસ્તારમાં અલગ-અલગ નામે ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હોવાનો આરોપ છે.
પોલીસે આપેલી વિગતો મુજબ રોહિત ઉત્તમરાવ પાટીલ નવાગામમાં મૌલી ક્લિનિક ચલાવતો હતો અને અગાઉ મહારાષ્ટ્રની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. પરમાનંદ પટેલ મનીષા ક્લિનિક, આરતી દેવી મૌર્ય આશી ક્લિનિક અને મહેશભાઈ રાજપૂત માયા ક્લિનિક ચલાવતા હતા. આ ઉપરાંત કમલાપ્રસાદ લોધી ગોંડ કૃષ્ણ ક્લિનિક, સોપન પાટિલ શ્રી સાંઈ ક્લિનિક, મનોહરલાલ કુમાવત શ્રી રાધેકૃષ્ણ ક્લિનિક, દિનેશ ભારતી સહગર ક્લિનિક અને કિશોર વિશ્વાસ સદગુરુ સંત કૃપાલ ક્લિનિક ચલાવતા હોવાની વિગતો સામે આવી છે.
દૈનિક ₹1,000થી ₹3,500 સુધીની કમાણી કરતા હોવાનો દાવો
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓમાંથી કેટલાક લાંબા સમયથી ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું છે. કેટલાક છ મહિનાથી તો કેટલાક સાતથી દસ વર્ષ સુધી ક્લિનિક ચલાવતા હોવાની માહિતી છે. તેમની દૈનિક આવક અંદાજે ₹1,000થી ₹3,500 સુધી હોવાનો પોલીસનો દાવો છે.
પોલીસે એવો પણ દાવો કર્યો છે કે કેટલાક આરોપીઓ અગાઉ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ બંગાળની હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર અથવા અન્ય ભૂમિકામાં કામ કરી ચૂક્યા હતા. એક આરોપી સામે વર્ષ 2024માં મહારાષ્ટ્રમાં નકલી ગર્ભાવસ્થાની દવા વેચવાના આરોપમાં કાર્યવાહી થઈ હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી છે.
₹95,138નો સામાન જપ્ત, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ પણ કાર્યવાહી
દરોડા દરમિયાન વિવિધ ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સીરપ અને તબીબી સાધનો સહિત ₹95,138ની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે નવેય આરોપીઓ સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ પણ અલગથી કાર્યવાહી કરવામાં આવશે.
SOG DCP રાજદીપ સિંહ નકુમના જણાવ્યા અનુસાર, કેટલાક આરોપીઓ 10મા અને 12મા ધોરણ સુધી ભણેલા છે, જ્યારે કેટલાક કથિત રીતે નકલી ડિગ્રીના આધારે તબીબી પ્રેક્ટિસ કરતા હતા. પોલીસનું કહેવું છે કે જરૂરી લાયકાત વિના સારવાર આપવાથી દર્દીઓના સ્વાસ્થ્ય અને જીવન સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




