Gopal Italia News: વન્યજીવના સંરક્ષણ તેમજ સંવર્ધન વનરક્ષક વનપાલ કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ બાબતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર પાઠવીને ગંભીર રજૂઆત કરી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના જંગલો અને વન્યજીવોના રક્ષણની અતિમહત્વની જવાબદારી સંભાળતા વન વિભાગના વિવિધ સંવર્ગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને અવારનવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ નિરાકરણ તો દૂરની વાત છે પરંતુ સંવાદ સુદ્ધાં કરવામાં આવ્યો નથી, જે અત્યંત દુઃખદ બાબત છે. જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીઓ અને ઝેરી જીવજંતુઓની વચ્ચે રહીને તેમજ મોબાઈલ નેટવર્ક વગરની જગ્યાએ પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા આ વનકર્મીઓ નાછૂટકે માસ સીએલ (Mass CL) અને અનિશ્ચિત કાળની હડતાળ પર જવા મજબૂર બન્યા છે.

આંદોલન કરી રહેલા વનકર્મીઓના સંગઠન દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓનો ઉલ્લેખ કરતા પત્રમાં જણાવ્યુ છે કે વનકર્મીઓને રિસ્ક અલાઉન્સ આપવું, રજા પગારની સાથે ભથ્થાં ચૂકવવામાં આવે, વનપાલ અને રેંજ ફોરેસ્ટ ઓફિસર માટેનું મહેકમ વધારવામાં આવે તેમજ વિવિધ સંવર્ગના કર્મચારીઓના ગ્રેડ-પેમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવામાં આવે તેવી માંગણીઓ લાંબા સમયથી પડતર છે. આ તમામ ગંભીર બાબતોને ધ્યાને લઈને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રી સમક્ષ ભારપૂર્વક માંગ કરી છે કે ગ્રીન આવરણ, વન્યજીવ અને જંગલની સારસંભાળ લેતા વનકર્મીઓના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે સરકારે તાત્કાલિક વનકર્મી સંગઠન સાથે વાટાઘાટ કરી યોગ્ય નિર્ણય કરવો જોઈએ.