Surat News: સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં પત્ની પર જાહેર રસ્તા વચ્ચે હુમલો કરવાના આરોપમાં પોલીસે પતિની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના ઉત્રાણ-મોટા વરાછા રોડ પર પ્રગતિ આઈટી પાર્ક સામે બની હતી. પીડિતા પોતાના એક્ટિવા પર જઈ રહી હતી ત્યારે તેના અલગ રહેતા પતિ પ્રવીણ અમરશીભાઈ ગોલકીયાએ કાર વડે તેનો રસ્તો રોક્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

આરોપ છે કે પ્રવીણ ગોલકીયાએ મહિલાના વાળ પકડીને જાહેર રસ્તા પર લાતો અને મુક્કાઓથી માર માર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ફરજ પર રહેલી મહિલા ટ્રાફિક પોલીસ અધિકારીએ પણ સ્થિતિને કાબૂમાં લેવા માટે હસ્તક્ષેપ કર્યો હતો.

ફરિયાદ મુજબ હુમલા બાદ આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પીડિતાએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવવામાં આવી હતી. બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે થોડા જ કલાકોમાં આરોપી પ્રવીણ અમરશીભાઈ ગોલકીયા (ઉંમર 46)ની ધરપકડ કરી હતી. આરોપી સુરતમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે અને અમરોલી વિસ્તારમાં રહે છે. તેનું મૂળ વતન બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું સુંદણીયાણા ગામ છે.

ઉત્રાણ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તેમાં ઇજા પહોંચાડવા, જાહેરમાં અપશબ્દો બોલવા, ધમકી આપવી સહિતની કલમોનો સમાવેશ થાય છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને તેને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરેલું વિવાદ ચાલી રહ્યો છે અને મામલો કોર્ટમાં વિચારાધીન છે. દંપતીને બે પુત્રીઓ છે, જેમાંથી એક માતા સાથે અને બીજી પિતા સાથે રહે છે. પોલીસે જણાવ્યું છે કે મહિલાઓની સુરક્ષા સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.