Surat News: સુરત જિલ્લાના કડોદ્રા વિસ્તારમાં 15 મહિનાની વૈશાલી ગણેશ પાંડેનું પાણીથી ભરાયેલા ઊંડા ખાડામાં ડૂબી જતાં કરુણ મોત થયું છે. સતત વરસાદને કારણે ખાડો સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો હતો. આ દુર્ઘટના બાદ પરિવારે આરોપ લગાવ્યો છે કે પડોશી સોસાયટીના કેટલાક લોકોએ રસ્તો બંધ કરવા માટે પરવાનગી વિના ખાડો ખોદ્યો હતો, જેના કારણે તેમની દીકરીનો જીવ ગયો.
પરિવારના જણાવ્યા મુજબ, ઘટનાના સમયે બાળકીની માતા ઘરની બહાર વૈશાલી સાથે બેઠી હતી. થોડા સમય માટે અંદર જતાં બાળકી નજરથી ઓઝલ થઈ ગઈ હતી. શોધખોળ દરમિયાન ઘરની નજીક આવેલા પાણી ભરાયેલા ખાડામાંથી બાળકી મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
મૃતક બાળકીના પિતા ગણેશ પાંડેએ દાવો કર્યો છે કે સ્થાનિક રહેવાસીઓએ અગાઉ પણ ખાડાને લઈને વાંધો ઉઠાવ્યો હતો, છતાં તેને ભરવામાં આવ્યો નહોતો. પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસ દ્વારા હજુ સુધી તેમની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી નથી. બાળકીની માતાએ પણ ખાડો ખોદનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કડોદરા નગરપાલિકાના મુખ્ય અધિકારીએ પ્રાથમિક તપાસમાં ખાડો પરવાનગી વિના ખોદવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. પોલીસે હાલ અકસ્માત મૃત્યુ (AD)નો કેસ નોંધ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઘટનાએ ખોદકામની મંજૂરી, સલામતીના નિયમો અને જવાબદારી અંગે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.




