Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક રેલ્વે ટ્રેક પાસે 45 વર્ષીય મહિલાનો મૃતદેહ મળવાનો કેસ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શરૂઆતમાં આ ઘટનાને ટ્રેન અકસ્માત માનવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને CCTV ફૂટેજના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો. પોલીસે મહિલાની હત્યાના આરોપમાં તેના 25 વર્ષીય પ્રેમી પ્રકાશ સોલંકીની ધરપકડ કરી છે.
અકસ્માત નહીં, પૂર્વનિયોજિત હત્યા
રેલવે પોલીસના જણાવ્યા અનુસાર, 4 ઓગસ્ટે ગોંડલના ગુંદાલા રેલ્વે ફાટક નજીક ટ્રેક પરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પર્સમાંથી તેના પુત્રનો મોબાઇલ નંબર મળતા પરિવારનો સંપર્ક કરીને મહિલાની ઓળખ કરવામાં આવી હતી.
શરીર પર શંકાસ્પદ ઇજાના નિશાન મળતાં મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટમાં મહિલાનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનું સ્પષ્ટ થયું.
CCTV ફૂટેજે ઉકેલ્યો કેસ
તપાસ દરમિયાન પોલીસે ગોંડલ રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસ્યા હતા. તેમાં 3 ઓગસ્ટની રાત્રે લગભગ 11:30 વાગ્યે મૃતક મહિલા અને આરોપી પ્રકાશ સોલંકી સાથે સ્ટેશનમાંથી નીકળતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બંને ગુંદાલા ફાટક તરફ જતા હોવાનું પણ ફૂટેજમાં સામે આવ્યું.
ટ્રેન આવતાની સાથે જ ટ્રેક પર ધક્કો માર્યાનો આરોપ
પોલીસના જણાવ્યા અનુસાર, બંને થોડા સમય સુધી રેલ્વે ટ્રેક પાસે બેઠા રહ્યા હતા. 4 ઓગસ્ટની વહેલી સવારે લગભગ 1:30 વાગ્યે ટ્રેન નજીક આવતાં આરોપીએ પહેલા મહિલાને ટ્રેક પરથી દૂર જવા કહ્યું અને પછી કથિત રીતે તેને ટ્રેનની સામે ધક્કો મારી દીધો. ઘટનાસ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું.
ધરપકડ બાદ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
લગ્નના દબાણને કારણે ઘડ્યું કાવતરું
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 45 વર્ષીય મહિલા આરોપી સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ આરોપીનો પરિવાર આ સંબંધ માટે તૈયાર ન હોવાથી તેણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.
પોલીસનો આરોપ છે કે મહિલા સતત લગ્ન માટે દબાણ કરતી હોવાથી પ્રકાશ સોલંકીએ તેની હત્યાનું કાવતરું રચ્યું. મળવાના બહાને તેણે મહિલાને રેલ્વે ટ્રેક પર બોલાવી અને ટ્રેન આવતાં તેને ધક્કો મારી દીધો.
મૃતક પરિવારથી અલગ રહેતી હતી
પોલીસના જણાવ્યા મુજબ, મૃતક છેલ્લા અઢી વર્ષથી પોતાના પતિથી અલગ રહેતી હતી. તેનો પતિ ભાવનગરના અલંગમાં કામ કરે છે. મહિલાને બે પુત્રો અને બે પુત્રીઓ છે, જેઓ પરિણીત છે. તે ગોંડલમાં એકલી રહેતી હતી અને હોટલ તથા કેટરિંગમાં રસોઈયા તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરતી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે અને કેસમાં અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે.




