Rajkot Cyber Fraud: ઓનલાઈન શોપિંગ દરમિયાન માત્ર ₹175નું રિફંડ મેળવવાના પ્રયાસમાં રાજકોટની 63 વર્ષીય નિવૃત્ત મહિલા સાયબર ઠગાઈનો ભોગ બની હતી. ગૂગલ પરથી મળેલા કથિત કસ્ટમર કેર નંબર પર સંપર્ક કર્યા બાદ ઠગોએ APK ફાઇલ ડાઉનલોડ કરાવી મહિલાના બેંક ખાતામાંથી કુલ ₹1.91 લાખની છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલે રાજકોટ સિટી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
બગડેલા દૂધના રિફંડથી શરૂ થઈ ઠગાઈ
પોલીસ ફરિયાદ મુજબ, જામનગર રોડ પર રહેતી નિવૃત્ત મહિલાએ ઝેપ્ટો પરથી પાંચ દૂધના પેકેટ મંગાવ્યા હતા. પેકેટ ખોલતા દૂધ બગડેલું હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ મહિલાએ ₹175નું રિફંડ મેળવવા માટે ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધ્યો.
સર્ચ દરમિયાન મળેલા નંબર પર ફોન કરતાં સામેવાળા વ્યક્તિએ પોતાનું નામ ઇસ્માઇલ અંસારી હોવાનું જણાવી ઝેપ્ટોના કસ્ટમર કેર કર્મચારી તરીકે ઓળખ આપી મહિલાનો વિશ્વાસ જીત્યો.
APK ફાઇલથી ફોનનો કબ્જો મેળવી ખાતામાંથી લાખો ઉડાવ્યા
આરોપીએ રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરવાના બહાને મહિલાને વોટ્સએપ પર એક APK ફાઇલ મોકલી અને તેને ઇન્સ્ટોલ કરાવી. ત્યારબાદ અલગ-અલગ પ્રક્રિયાના બહાને મહિલા પાસેથી અનેક ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા.
આ દરમિયાન મહિલાના બેંક ઓફ બરોડા ખાતામાંથી ₹97,072 અને ICICI બેંક ખાતામાંથી ₹94,262 મળી કુલ ₹1,91,334 વિવિધ UPI ID અને બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા.
મેસેજ આવતાં થયો ઠગાઈનો ખુલાસો
બેંકમાંથી પૈસા કપાવાના SMS મળતાં મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો. તેમણે તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી.
પોલીસે FIR નોંધી તપાસ શરૂ કરી
રાજકોટ સિટી સાયબર ક્રાઈમ પોલીસે વિવિધ મોબાઇલ નંબરો અને બેંક ખાતાધારકો સામે FIR નોંધી છે. હાલ પોલીસ UPI ID, બેંક ખાતા, મોબાઇલ નંબર અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસની મહત્વની સલાહ
સાયબર ક્રાઈમ પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ કંપની અથવા એપનો કસ્ટમર કેર નંબર માત્ર તેની સત્તાવાર વેબસાઇટ અથવા એપ પરથી જ મેળવવો. ગૂગલ પર દેખાતા દરેક નંબર વિશ્વસનીય હોય જ એવું જરૂરી નથી.
પોલીસે વધુમાં ચેતવણી આપી છે કે અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતી APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ કે ઇન્સ્ટોલ ન કરવી. આવી ફાઇલથી ઠગો તમારા મોબાઇલ અને બેંકિંગ માહિતી સુધી પહોંચી શકે છે.
પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રિફંડ મેળવવા માટે ક્યારેય UPI PIN દાખલ કરવાની કે પૈસા મોકલવાની જરૂર પડતી નથી. જો કોઈ વ્યક્તિ રિફંડના નામે પૈસા મોકલવા કે PIN શેર કરવા કહે, તો તેને તરત જ સાયબર ઠગાઈ માની સાવચેત રહેવું જોઈએ.




