Rajkot: રીબડાના અમીત ખૂંટ આપઘાત કેસમાં પોલીસે પકડેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ જૂનાગઢમાં વસવાટ કરતા અતાઉલ્લ મણીયારે પોલીસ સમક્ષ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, અમીત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવાનું કામ અનિરૂદ્ધસિંહ જાડેજાએ જ તેને સોંપ્યું હતું. આ કબૂલાત બાદ અવારનવાર પોતાને આ કેસમાં ખોટી રીતે ફસાવાયાનો દાવો કરતા અનિરૂદ્ધસિંહ જાડેજાની વાતો હવે પોકળ સાબિત થવા લાગી છે.
અતાઉલ્લની ચોંકાવનારી કબૂલાત
સત્તાવાર રીતે પોલીસે આ અંગે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ પોલીસના આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, અતાઉલ્લે ત્રણ મહિના પહેલા જ અમીત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવાનો પ્લાન અનિરૂદ્ધસિંહ જાડેજાના આદેશ પર બનાવ્યો હતો. આ કામ તેણે પોતાના ડ્રાઇવર રહીમ મકરાણીને સોંપ્યું હતું. રહીમ મકરાણીએ જ એ તરૂણીને તૈયાર કરી હતી જેણે બાદમાં અમીત ખૂંટ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
સોશિયલ મીડિયા પર યુવતી બની વાતચીત
અતાઉલ્લે પોલીસને જણાવ્યું છે કે, તેણે તે તરૂણીના સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ મેળવી લીધા હતા. તેના આધારે તેણે યુવતી બનીને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમીત ખૂંટ સાથે વારંવાર વાતચીત કરી હતી. આ રીતે ખૂંટને જાળમાં ફસાવવામાં આવ્યો હતો.
દુષ્કર્મની ફરિયાદ બાદ આપઘાત
કાવતરાના ભાગરૂપે અમીત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવાઈ હતી. આ ફરિયાદ બાદ ગભરાઈ ગયેલા અમીત ખૂંટે રીબડાની પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.
જાડેજા પરિવારની સંડોવણી બહાર આવી
સૂત્રો જણાવે છે કે અતાઉલ્લની આ કબૂલાત બાદ માત્ર અનિરૂદ્ધસિંહ જાડેજા જ નહીં પરંતુ તેના દીકરા રાજદીપસિંહ જાડેજાની સંડોવણી પણ બહાર આવી રહી છે. હાલ રાજદીપસિંહ આ કેસમાં વોન્ટેડ છે અને પોલીસને આજ સુધી તેનો કોઈ લોકેશન હાથ લાગ્યો નથી. પોલીસને શંકા છે કે તે દુબઈમાં છૂપાયેલો છે.
રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે
અમીત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાનો રિમાન્ડ પૂર્ણ થતાં ગોંડલ તાલુકા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો અને ત્યારબાદ જૂનાગઢ જેલ હવાલે કર્યો હતો. આ જ રીતે અતાઉલ્લ મણીયારના પણ રિમાન્ડ પૂરા થતાં તેને જૂનાગઢની જેલમાં મોકલવામાં આવ્યો છે. બંને આરોપીઓ ઘણા સમયથી મિત્ર હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોપટ સોરઠીયા હત્યા કેસમાં આજીવન કેદ ભોગવી રહ્યો છે જાડેજા
ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજા આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેણે તાજેતરમાં ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ તેને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. અહીંથી ગોંડલ તાલુકા પોલીસે ટ્રાન્સફર વોરન્ટના આધારે તેનો કબજો મેળવી અમીત ખૂંટ આપઘાત કેસમાં રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો.
આ પણ વાંચો
- BRICS ભાગીદાર દેશો કયા છે અને તેઓ 11 સભ્ય દેશોથી કેવી રીતે અલગ છે? અહીં સંપૂર્ણ વિગત સમજો.
- Mirzapur: સિરીઝથી સિનેમા સુધી: ‘મિર્ઝાપુર’ની સફર — ગુરમીત સિંહે કેવી રીતે મોટા પડદા પર એક ભવ્ય અનુભવ રચ્યો’
- Delhi: દિલ્હીમાં યુદ્ધ સમાપ્ત કરવા અંગેની વાતચીત ચાલી રહી હતી ત્યારે યુરોપે યુક્રેનને શસ્ત્રો ખરીદવા માટે ₹67,000 કરોડ પૂરા પાડ્યા
- OpenAIનો મહત્વપૂર્ણ દાવો: શું ChatGPTએ ગણિતની સૌથી મુશ્કેલ સમસ્યાઓમાંથી એકનો ઉકેલ શોધી કાઢ્યો છે? જાણો કેવી રીતે મળ્યો આ ઉકેલ
- pakistan: પાકિસ્તાન અને અમેરિકા દ્વારા ત્યજી દેવાયું: ગલ્ફ સંઘર્ષમાં સાઉદી અરેબિયા એકલું કેમ ફસાઈ ગયું છે?




