Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની જંગલેશ્વર વિસ્તારમાં થયેલી મેગા ડિમોલિશન કામગીરી બાદ હવે ખર્ચને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી દરમિયાન અધિકારીઓ, પોલીસકર્મીઓ અને કર્મચારીઓ માટે ચા, નાસ્તા અને ભોજન પાછળ ₹27.20 લાખ ખર્ચાયા હોવાનું સામે આવતા સ્થાયી સમિતિએ બિલને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે અને સંબંધિત અધિકારીઓ પાસેથી લેખિત સમજૂતી માંગી છે.
ફેબ્રુઆરી મહિનામાં આજી નદી કિનારા અને ટીપી રોડ પર આવેલા આશરે 1,400 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે મહાનગરપાલિકા, પોલીસ અને અન્ય વિભાગોના 4,800થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન 21,310 કપ ચા-બિસ્કિટ, ગાંઠિયા-જલેબી, પોહા તેમજ નાસ્તા અને ભોજનની સેકડો પ્લેટો પીરસવામાં આવી હતી, જેના માટે ₹6.30 લાખનો ખર્ચ થયો હતો.
આ ઉપરાંત 21થી 27 ફેબ્રુઆરી દરમિયાન 13,390 ખાસ લંચ પેકેટ, મસાલા છાશ અને લીંબુ-આદુના શરબતની 4,000 બોટલ માટે ₹20.68 લાખ ખર્ચાયા હતા. આ રીતે ખોરાક અને નાસ્તાનો કુલ ખર્ચ ₹27.20 લાખ સુધી પહોંચી ગયો હતો.
માત્ર ખોરાક જ નહીં, પરંતુ મિનરલ વોટર પર ₹12.40 લાખ અને પેવેલિયન સેવા પાછળ ₹6.70 લાખનો ખર્ચ પણ નોંધાયો છે. પરિણામે સમગ્ર ડિમોલિશન ઝુંબેશનો કુલ ખર્ચ આશરે ₹46.31 લાખ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાયી સમિતિના સભ્યોએ ખર્ચની રકમ પર સવાલો ઉઠાવતા બિલને હાલ માટે અટકાવી દીધું છે. સમિતિનું માનવું છે કે ડિમોલિશન જેવી કામગીરી દરમિયાન ચા-નાસ્તા અને ભોજન પર આટલો મોટો ખર્ચ કેવી રીતે થયો તેની સ્પષ્ટતા જરૂરી છે.
બીજી તરફ, મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે હજારો કર્મચારીઓ સતત અનેક દિવસો સુધી ફરજ પર હતા. કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે ખોરાક, પીવાનું પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવી વહીવટી જરૂરિયાત હતી.
કોંગ્રેસે સમગ્ર મામલે મહાનગરપાલિકા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ જાહેર નાણાંના ખર્ચમાં પારદર્શિતા લાવવાની માંગ કરી છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ખાસ કરીને મિનરલ વોટર પાછળ થયેલા ₹12.40 લાખના ખર્ચને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે.
હાલમાં, સમગ્ર ખર્ચની તપાસ અને અધિકારીઓની સમજૂતી બાદ જ બિલને મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.




