BJP Maithili Thakur News: બિહારના દરભંગા જિલ્લાના અલીનગરથી ભાજપનાં ધારાસભ્ય અને જાણીતા ગાયિકા મૈથિલી ઠાકુરના પિતા રમેશ ઠાકુર જમીન વિવાદને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમના પર સરકારી અને ખાનગી જમીન પર અતિક્રમણ કરવાનો આરોપ લાગ્યો છે. ગ્રામજનોએ આ અંગે બિહારના મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ નોંધાવ્યા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ગુરુવારે ઝાંઝરપુરના ડેપ્યુટી કલેક્ટર (DCLR) અને સર્કલ ઓફિસર (CO) ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિવાદિત જમીનની માપણી કરાવી હતી.

જમીન વિવાદમાં વહીવટીતંત્રની કાર્યવાહી

મળતી માહિતી મુજબ રમેશ ઠાકુરે તાજેતરમાં તારડીહ બ્લોકના પોખરભિંડા પંચાયતમાં જમીન ખરીદી હતી અને ત્યાં ઘરનું બાંધકામ શરૂ કર્યું હતું. જોકે ગ્રામજનોનો આરોપ છે કે બાંધકામ દરમિયાન સરકારી અને ખાનગી જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. પ્રાથમિક માપણી બાદ DCLR દ્વારા મુખ્ય દરવાજાની બહાર બનાવવામાં આવેલા ડિવાઈડર અને રસ્તાના કેટલાક ભાગને તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વહીવટીતંત્રે બંને પક્ષોને આગામી આદેશ સુધી શાંતિ જાળવવા અપીલ કરી હતી.

બુલડોઝરથી દૂર કરાયો રસ્તો અને ડિવાઈડર

વિવાદ વધ્યા બાદ મોડી રાત્રે રમેશ ઠાકુર દ્વારા સરકારી જમીન પર બનાવવામાં આવેલા રસ્તા અને ડિવાઈડરને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, જમીનના દસ્તાવેજોની તપાસ કર્યા બાદ જ આ વિવાદનો કાયદેસર ઉકેલ લાવવામાં આવશે. હાલ બંને પક્ષના દસ્તાવેજોની ચકાસણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

મૈથિલી ઠાકુરે આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

આ સમગ્ર વિવાદમાં મૈથિલી ઠાકુરે પોતાના પરિવાર પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આરોપો પાયાવિહોણા અને ખોટા છે. તેમના પરિવાર પાસે જમીનના તમામ માન્ય દસ્તાવેજો છે અને કોઈની જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું નથી. તેમણે ફરિયાદ કરનારાઓને સોશિયલ મીડિયા પર નિવેદનો આપવાને બદલે ઝોનલ ઓફિસર અથવા સક્ષમ અધિકારી સમક્ષ પુરાવા સાથે ફરિયાદ કરવાની અપીલ કરી હતી.

RJD નેતાઓએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી

આ મામલે બિહારના રાજકારણમાં પણ નિવેદનબાજી તેજ બની છે. RJD ધારાસભ્ય ભાઈ વીરેન્દ્ર અને પૂર્વ ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે સત્તાના પ્રભાવનો ઉપયોગ કરીને જમીન કબજે કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે.

ગ્રામજનોની ફરિયાદમાં શું છે?

ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગ્રામદેવતા તિવારી બાબા સ્થાન, સામુદાયિક અંતિમ સંસ્કાર સ્થળ, ખાનગી સ્મશાન અને શશીનાથ મિશ્રા ચોકથી જળમાર્ગ તરફ જતા મુખ્ય જાહેર રસ્તાની નજીક બાંધવામાં આવેલી સીમા દીવાલને કારણે અવરજવરમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. ઝોનલ ઓફિસર આલોક કુમારે ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષોને ‘જનતા દરબાર’માં બોલાવવામાં આવ્યા છે અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કર્યા બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.