Accident on Ahmedabad-Vadodara Express Highway: ગુજરાતના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક વહેલી સવારે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ, હેવી મશીનરી ભરેલી ટ્રક અને ટેન્કર વચ્ચે થયેલી આ ટક્કરમાં આશરે 10 મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ લક્ઝરી બસ સુરતથી શ્રદ્ધાળુઓને લઈને અંબાજી જઈ રહી હતી. બસ વડોદરાથી અમદાવાદ તરફના રૂટ પર એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન આણંદ નજીક પાછળથી આવી રહેલી હેવી મશીનરી ભરેલી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક બસના પાછળના ભાગે અથડાઈ હતી, જેના કારણે બસ આગળ જઈ રહેલા ટેન્કર સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં બસના આગળના અને પાછળના બંને ભાગને નુકસાન પહોંચ્યું હતું. બસમાં સવાર આશરે 10 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતને પગલે હાઈવે પર વાહનચાલકો અને મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ હાઈવે પેટ્રોલિંગ ટીમ, આણંદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવકર્મીઓએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી તમામ ઈજાગ્રસ્તોને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

સ્થાનિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સમયસર બચાવ કામગીરી હાથ ધરાતાં મોટી દુર્ઘટના ટળી હતી.