Yatrik Patel AAP: આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના નેતા યાત્રિક પટેલે વીડિયોના માધ્યમથી સત્તાધારી પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન અવારનવાર ‘મનની વાત’ કરે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આપણા દેશના વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેડૂતોના મનની વાત આપણા સાહેબને કેમ નથી સંભળાતી? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિયમિતપણે પોતાના મનની વાત કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણા દેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો પોતાના હક અને અધિકારો માટે રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે દેશનો વિદ્યાર્થી પેપર લીક, પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને ભરતી પ્રક્રિયાઓ પર સવાલો પૂછી રહ્યો છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સંપૂર્ણ પારદર્શિતાની માંગણી કરી રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતો પણ પોતાના હકના અધિકારો માંગી રહ્યા છે. પરંતુ આપણા વડાપ્રધાનને આ તમામ ગંભીર પ્રશ્નોમાં કોઈ રસ નથી, તેમને રસ છે તો માત્ર ને માત્ર પોતાના પ્રચારમાં. બીજી બાજુ, આપણા દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, જેમની પર દેશના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્યની જવાબદારી છે, તેઓ હોંશે-હોંશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ‘મનની વાત’ સાંભળી રહ્યા હતા. પરંતુ અફસોસની વાત એ છે કે તેમની પાસે દેશનું ભવિષ્ય કહેવાતા વિદ્યાર્થીઓના મનની વાત સાંભળવાનો કે તેમના પ્રશ્નો ઉકેલવાનો કોઈ સમય નથી. આ સરકારને સામાન્ય માણસ, યુવાન કે ખેડૂતના પ્રશ્નો સાંભળવામાં જરાય રસ નથી.

સરકારને ખુલ્લી ચેતવણી આપતા ’આપ’ નેતા યાત્રિક પટેલે જણાવ્યું હતું કે, એક તરફ દેશના વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેડૂતોનો અવાજ રસ્તાઓ પર ગુંજી રહ્યો છે પણ સરકાર કાન બંધ કરીને બેઠી છે. હું અહંકારી સત્તાધીશોને કહેવા માંગુ છું કે, જ્યારે જ્યારે ભારત દેશનો યુવા, વિદ્યાર્થી અને ખેડૂત બોલ્યો છે, ત્યારે ત્યારે દેશમાં ક્રાંતિ આવી છે અને સત્તાના મોટા-મોટા સિંહાસનો પણ હલી ગયા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં આપણા દેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો એક થઈને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરશે અને પોતાના મતાધિકારથી સરકારને જડબાતોડ જવાબ આપશે.