Amit Chavda News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં વરસાદની અછત અને ખેડૂતોની વધી રહેલી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા લગભગ 15 વર્ષમાં રાજ્યમાં સૌથી નબળું ચોમાસું જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકો ભારે ચિંતામાં મુકાયા છે.
તેમણે જણાવ્યું કે જૂન 2025ની સરખામણીએ જૂન 2026 દરમિયાન વાવેતરમાં આશરે 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં 11.55 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ચાલુ વર્ષે માત્ર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદની ભારે ખેંચને કારણે નહેરોમાં પાણીની અછત સર્જાઈ છે અને ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા ધરુવાળિયા સુકાઈ રહ્યા છે.
અમિત ચાવડાના જણાવ્યા અનુસાર, રાજ્યના ખેડૂતો હાલમાં ખોટી જમીન માપણી, મંજૂરી વિના ખેતરોમાં ઉભા કરાતા વીજ થાંભલા, ખાતર અને બિયારણની અછત તેમજ દેવા માફી જેવી માંગણીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતો પોતાના પ્રશ્નોને લઈને આંદોલન કરી રહ્યા હોવા છતાં સરકાર પૂરતી ગંભીરતા દાખવી રહી નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે વરસાદની અછતને કારણે સમગ્ર રાજ્યમાં ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો ઘટીને આશરે 20 ટકા જેટલો રહ્યો છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો પીવાના પાણીની તંગી સર્જાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ નહેરોમાં તાત્કાલિક પાણી છોડવાની, ખેડૂતોને ઓછામાં ઓછા 12 કલાક વીજ પુરવઠો આપવાની, ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરવાની તેમજ નુકસાનનું સર્વેક્ષણ કરીને રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
અમિત ચાવડાએ સરકારને ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓનું કાયમી અને ન્યાયસંગત નિરાકરણ લાવવાની અપીલ પણ કરી હતી.
નોંધનીય છે કે આ નિવેદનો કોંગ્રેસ નેતા અમિત ચાવડાના છે. આ મુદ્દે રાજ્ય સરકારનો પ્રતિસાદ મળ્યો નથી.




