Vadodara: ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી બરફવર્ષાની અસર વડોદરામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહી છે.ખાસ કરીને વહેલી સવારે અને સાંજ બાદ શહેરને કાતિલ ઠંડી પોતાની ગિરફતમાં લઈ રહી છે.
૮ કિમીની ઝડપે ફૂંકતા ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવ્યા, વહેલી સવારે અને સાંજ પછી ઠંડીનું જોર વધ્યું
Vadodaraમાં ફરી એક વખત આજે ઠંડા પવનોએ વડોદરાવાસીઓને ધ્રુજાવ્યા હતા. ગત સપ્તાહે શહેરનું તાપમાન ૧૦.૨ ડિગ્રી નોંધાયું હતું અને આજે તાપમાનનો પારો ગગડીને ૧૦ ડિગ્રી પર પહોંચતા આજનો દિવસ વર્તમાન શિયાળાનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ બન્યો હતો.
મળતી વિગતો પ્રમાણે આજે શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૨૭.૪ ડિગ્રી રહ્યો હતો પરંતુ લઘુતમ તાપમાનનો પારો ગઈકાલની સરખામણીએ બે ડિગ્રી ગગડયો હતો.સવારે ૮-૩૦ વાગ્યે શહેરનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું હતું.સાથે સાથે પવનની ઝડપ પણ પ્રતિ કલાક ૮ કિલોમીટરની રહી હોવાથી લોકોએ સતત ઠંડીનો અનુભવ કર્યો હતો. સવારે ૯ વાગ્યા બાદ તાપના કારણે લોકોએ રાહત અનુભવી હતી પણ સૂર્યનારાયણની વિદાય બાદ સાંજના ૬ વાગ્યા પછી ફરી એક વખત બર્ફિલા પવનોથી બચવા માટે લોકોએ ગરમ કપડાનો સહારો લેવો પડ્યો હતો.છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધ્યું હોવાના કારણે મોડી રાત બાદ રસ્તા પરની અવર જવરમાં ઘટાડો થઈ રહ્યો છે.ખુલ્લામાં બેસતા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. લગ્ન સરાની ચાલી રહેલી સીઝનમાં પાર્ટી પ્લોટમાં પણ ઠંડીથી મહેમાનોને બચાવવા માટે તાપણાની વ્યવસ્થા જોવા મળી રહી છે.