રાજકોટમાં 25 મેના રોજ સાંજના 5.30 વાગ્યા આસપાસ TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા હતા. જેમાં રાજકોટ મનપાના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવતા પોલીસ દ્વારા મનપાના ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેને લઈ મનપા કમિશનર દ્વારા તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે આરોપી ગૌતમ જોશી અને રોહિત વિગોરાને એક સપ્તાહ પૂર્વે રાજ્ય સરકારના સીધા આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે જ્યારે તેનો પગાર તો 75 હજાર જ છે.

રાજકોટ મનપાની વેસ્ટ ઝોન ટી.પી. શાખા દ્વારા TRP ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે નોટિસ પાઠવીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવા જણાવાયું હતું. મનપાના ચોપડે પણ આ વાત નોંધાયેલી છે. જો કે, ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નથી. ટીપીઓ દ્વારા બાંધકામોનું ડિમોલિશન કરવા માટે ફાઈલ છેલ્લે કમિશનરને મોકલવામાં આવે છે અને ત્યારબાદ ડિમોલિશન થાય છે પરંતુ આ ફાઈલ ખરેખર ત્યાં સુધી પહોંચી હતી કે દબાવી દેવામાં આવી હતી તેની પણ તપાસ ચાલી રહી છે.

નોટિસ પાઠવ્યા બાદ ડિમોલિશન ન કરવામાં આવતા 25 મેના રોજ TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી અને ગેમઝોન ડેથ ઝોન બની જતા 27 લોકોના મૃત્યુ અધિકારીઓના પાપે થયા હતા. આગ લાગ્યા બાદ સરકારના આદેશથી 7 જેટલા અધિકારીઓને સરકારે સસ્પેન્ડ કર્યા હતા. જે બાદ તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને મહાપાલિકાએ પોલીસ કસ્ટડીમાં 48 કલાક સુધી રહેતા સસ્પેન્ડ કરતા આદેશ કર્યા છે.

મનસુખ સાગઠિયા છેલ્લા એક દાયકાથી ટાઉન પ્લાનિંગ શાખામાં કામ કરતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ગેમ ઝોનની દુર્ઘટના થતા 28 મેના રોજ એમની અટકાયત કરવામાં આવી હતી. મનપાની ચાલુ બેઠકમાંથી ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તેમને ઉઠાવી ગયા હતા અને પૂછપરછ હાથ ધરી હતી. જો કે, ધરપકડ બે દિવસ પછી કરવામાં આવી હતી. કોઈ પણ અધિકારીના પોલીસ કસ્ટડીમાં 48 કલાક થાય એટલે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હોય છે.

સાગઠિયા અને અગાઉ ટી.પી. શાખામાં કામ કરી વોર્ડ નં.10નો હવાલો સંભાળી ચૂકેલા અને હાલ અન્યત્ર કામગીરી કરતા મુકેશ મકવાણાની પણ અટકાયત થયાના 48 કલાક બાદ પોલીસે મનપાને બંનેને કસ્ટડીમાં લઈ રિમાન્ડ ઉપર લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે તેવો પત્ર પાઠવ્યો હતો. આ પત્રને આધારે મહાપાલિકા દ્વારા બંને સામે કાર્યવાહી ધરવામાં આવી હતી.

પોલીસ કસ્ટડીના રિપોર્ટને આધારે નિયમો પ્રમાણે કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ગેમ ઝોનકાંડમાં મકવાણાએ ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે નોટિસ આપ્યા બાદ તેને અટકાવવા માટે કોઈ કામગીરી કરી ન હોવાનું ખુલતા તેની સામે તેમજ ટીપીઓ સાગઠિયા સામે આવી ગંભીર બેદરકારી બદલ પગલા લેવાયા છે. ઉલ્લેખનીય છે કે પાર્ટી પ્લોટમાં આખો ગેમ ઝોન ઉભો થઈ ગયો ત્યાં સુધી આંખ આડા કાન કરનાર તંત્રની બેદરકારીની સજા 27 પરિવારોને ભોગવવાનો વારો આવ્યો છે.

TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર ચાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અધિકારીઓની ધરપકડ કર્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે ACB ટીમ દ્વારા સૌથી વધુ સમય તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠિયાની મનપા કચેરી સ્થિત ઓફિસ તેમજ ઘર ખાતે સર્ચ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આજથી ચાર મહિના પહેલાં જ ભાજપના 15 જેટલા કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમિન ઠાકર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે TPO ભ્રષ્ટ છે, તેવામાં હવે તેમની સામે કાર્યવાહી તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ દિવ્ય ભાસ્કર પાસે તેમના વધુ મજબૂત પુરાવાઓ હાથ લાગ્યા છે. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં મનસુખ સાગઠિયાનું લક્ઝુરિયસ ફાર્મહાઉસ રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ તાલુકાના ગોમટા ગામ નજીક આવેલું હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેમની અલગ અલગ જગ્યાએ 3 પેટ્રોલ પંપમાં ભાગીદારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત રાજકોટના યુનિવર્સિટી રોડ પર આલીશાન 300 વારના નવોનકોર બંગલાનું કામ ચાલી રહ્યું છે.