હાલમાં દેશના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ અતિશય ગરમીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તાપમાન સતત રેકોર્ડ તોડી રહ્યું છે, હીટસ્ટ્રોક અને હીટવેવના કારણે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યું છે. ત્યારે ઓરિસ્સામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

હાલમાં ઓરિસ્સાના લોકોને આ કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી અને આ આકરી ગરમી વધુને વધુ જીવલેણ બની રહી છે. એવામાં ઓડિશામાં છેલ્લા 72 કલાકમાં સન સ્ટ્રોકથી 99 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ બાદ ગરમીને કારણે દેશભરમાં મૃત્યુઆંક 200થી વધુ થઈ ગયો છે. ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનરે જણાવ્યું છે કે આ કાળઝાળ ગરમી દરમિયાન સ્ટ્રોકના કારણે થયેલા મૃત્યુના કુલ 141 કેસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવ્યા છે, જેમાંથી 26 લોકોના મોત હિટવેવના કારણે થયાની પુષ્ટિ કરવામાં આવી છે.

ઓડિશા સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 મૃત્યુ નોંધાયા છે, જેમાં હીટસ્ટ્રોકના કારણે 26નો સમાવેશ થાય છે, જ્યારે 8 મૃત્યુ સનસ્ટ્રોક સિવાયના અન્ય કારણોસર થયા છે. આરોગ્ય વિભાગ હવે એ શોધી રહ્યું છે કે અન્ય 107 લોકોના મોત હીટવેવના કારણે થયા છે કે અન્ય કોઈ કારણ છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશામાં સોમવારે હીટવેવ ચાલુ રહી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન આ રાજ્યોની સાથે ઝારખંડમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.