CM Bhupendra Patel News: ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રી CM Bhupendra Patelએ રાજ્ય અને વિશ્વભરના ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી અને વિકાસ યાત્રાનો ગૌરવસભર ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે 1 મે 1960ના રોજ રાજ્યની સ્થાપના બાદથી ગુજરાતે અવિરત વિકાસની દિશામાં આગળ વધીને આજે વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની પ્રેરણાને યાદ કરી, જણાવ્યું કે તેમની દ્રષ્ટિ અને જનતાના પરિશ્રમથી ગુજરાતે વિકાસનો મજબૂત પાયો બનાવ્યો છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેઠળ રાજ્યએ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે.
તેમણે રાજ્યમાં વીજળી, પાણી, રોડ નેટવર્ક, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં થયેલા પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો. “જ્યોતિગ્રામ યોજના”થી ગામડાં સુધી 24 કલાક વીજળી પહોંચાડાઈ છે અને રાજ્યમાં વીજ ઉત્પાદન ક્ષમતા નોંધપાત્ર રીતે વધી છે. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ગેસ, પાણી અને વીજળીના ગ્રીડનું સંકલિત નેટવર્ક છે.
ઔદ્યોગિક વિકાસ અંગે તેમણે જણાવ્યું કે Vibrant Gujarat Global Investors Summit જેવી પહેલોથી રાજ્ય વૈશ્વિક રોકાણ માટે હબ બન્યું છે. સાથે જ સેમિકન્ડક્ટર, AI અને ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે.
પર્યાવરણ અને ટકાઉ વિકાસ માટે “કેચ ધ રેઇન” અને “એક પેડ માં કે નામ” જેવી પહેલોનો પણ ઉલ્લેખ થયો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે 2047 સુધી “વિકસિત ભારત” સાથે “વિકસિત ગુજરાત” બનાવવાનો સંકલ્પ રાજ્યએ લીધો છે.
આખરે તેમણે “સૌના સાથ, સૌના વિકાસ”ના મંત્ર સાથે રાજ્યને દરેક ક્ષેત્રમાં પ્રથમ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને સૌને ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી.




