Raju Borkhataria AAP :આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરિયાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ઝઘડિયા વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં કંપનીની બેદરકારીના કારણે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં લગભગ 16 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી હતી અને હાલ માહિતી મુજબ તેમાંના 2 શ્રમિકોના મૃત્યુ પણ થયા છે. અન્ય ઘણા શ્રમિકો હાલ સારવાર હેઠળ છે અને કેટલાક આઈસ્યુમાં ગંભીર સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં આદિવાસી વિસ્તારના અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા મજૂરોના પ્રશ્નોને લઈને કંપની સામે યોગ્ય કાર્યવાહી થાય અને પીડિતોને ન્યાય મળે તે માટે સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ કંપનીના લોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. વધુમાં જાણવા મળ્યું છે કે તંત્ર અને પોલીસે ચૈતરભાઈ વસાવા સામે 3 જેટલા ખોટા કેસ દાખલ કર્યા છે. તેમને અન્યાય રીતે જેલમાં નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે અને હજુ પણ ખોટા કેસો દ્વારા તેમને ફસાવવાનો કાવતરું ચાલી રહ્યું છે.

AAP નેતા રાજુ બોરખતરિયાએ વધુમાં જણાવ્યું હતુ કે અમે જોયું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડેડિયાપાડા અને આસપાસના વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ વસાવાને મળેલા લોકસમર્થનના કારણે ભારતીય જનતા પાર્ટી ભડકી ગઈ છે. આ પરિણામોને ધ્યાનમાં રાખીને આજે ખોટા કેસો દ્વારા દબાણ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ આ જનતાનો જનાદેશ છે, આ જનતાનો અધિકાર છે. ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો વિશ્વાસ છે, જેને કોઈ પણ રીતે રોકી શકાશે નહીં. જ્યારે મજૂરો પર દુર્ઘટના થાય, તેઓને સારવાર અને ન્યાયની જરૂર હોય ત્યારે જનતાના પ્રતિનિધિ તરીકે ચૈતરભાઈ વસાવા આગળ આવ્યા છે અને તાનાશાહી સામે લડી રહ્યા છે. ચૈતરભાઈએ ખૂબ મજબૂત લડત આપી છે. તેમ છતાં તેમના ઉપર ખોટા કેસ કરીને તેમના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ખૂબ નિંદનીય છે. આ સ્પષ્ટ તાનાશાહી છે. અમે સ્પષ્ટ કહીશું કે જનતાના અવાજને કોઈ પણ રીતે દબાવી શકાય નહીં. ચૈતરભાઈ વસાવા જનતાનો સાચો અવાજ છે અને તેઓ જનતા માટે લડતા રહેશે. આ વિસ્તારમાંની જનતા ચૈતરભાઈ સાથે છે અને ન્યાય માટે લડતી રહેશે. ચૈતરભાઈ વસાવા એક નિડર નેતા છે અને તેઓ ચોક્કસપણે આ લડાઈ આગળ વધારશે. અમે સૌ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમની સાથે મજબૂત રીતે ઉભા છીએ.