Arvind Kejriwal Gujarat: નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના અવસરે આમ આદમી પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભવ્ય ’વિજય યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ ભવ્ય વિજય યાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

રાજપીપળામાં આયોજિત વિજય યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwalએ નર્મદાની જનતાનો આભાર વ્યક્ત કરીને પોતાનું વ્યક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના લોકોએ અમને આટલો પ્રેમ આપ્યો અને સહકાર આપ્યો અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં સરકાર બનાવી એ બદલ આજે હું આપ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે નર્મદા આવ્યો છું. અગાઉ રાજ્ય સ્તરે હોય કે જિલ્લા સ્તરે ગુજરાતમાં હંમેશા ફક્ત બે પાર્ટીઓની સરકાર બનતી હતી, કોંગ્રેસ અથવા તો બીજેપી. લોકો કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટીની સત્તા આવવી શક્ય નથી. પરંતુ ગુજરાતમાં પહેલીવાર નર્મદા જિલ્લાના લોકોએ ત્રીજી પાર્ટીની એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી. આ વાતથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના લોકો બદલાવ ઈચ્છે છે. નર્મદા જિલ્લાના લોકોએ આજે જે કરીને બતાવ્યું છે, એવું જ કામ હવે ગુજરાતના લોકો કરી બતાવશે. આદિવાસી ક્ષેત્રમાંથી જે ચિંગારી નીકળી છે એ આગળ વધશે અને આમ આદમી પાર્ટી 2027માં વિધાનસભામાં પોતાની સરકાર બનાવશે.

વધુમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા Arvind Kejriwalએ જણાવ્યું હતું કે, 30 વર્ષથી ભાજપના ભ્રષ્ટાચાર – દમન લોકો ભોગવી રહ્યા છે, ઈચ્છે એને ખોટા કેસમાં જેલમાં નાખી દે છે અને ડરાવે ધમકાવે છે, અને બીજેપી અને કોંગ્રેસ બંને આમાં મળેલા છે. આજે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર કોંગ્રેસ બીજેપીને સપોર્ટ કરી રહી છે. કોંગ્રેસ પાસે જ્યાં ઉમેદવાર નથી ત્યાં ભાજપ એને ઉમેદવાર આપી રહી છે. ભાજપના નેતા એ જ કહ્યું કે “કોંગ્રેસ પાસે જ ઉમેદવાર નહોતા ત્યાં ભાજપે ઉમેદવાર આપ્યા” તો આ રીતનો ભાઈચારો છે એ બંનેમાં. આ બંને ભેગા મળીને લૂંટે છે, બંનેના એક સાથે વેપાર ધંધા ચાલે છે, બંનેના સંબંધો ચાલે છે, તો આ રીતે બંને અલગ અલગ પાર્ટી નથી પરંતુ બંને મળીને ગુજરાતને લૂંટી રહ્યા છે. ફક્ત આમ આદમી પાર્ટી જ જનતા માટે લડત લડી રહી છે. આજે કોંગ્રેસના નેતાઓ જેલ નથી જતા પરંતુ તમારા નેતા ચૈતર વસાવા જેલમાં ગયા હતા. ચૈતર વસાવાને ઘણા દિવસ સુધી જેલમાં રાખ્યા હતા એના વિરોધમાં કડક તમાચો માર્યો છે આદિવાસી વિસ્તારના લોકોએ નર્મદામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતની સરકાર બનાવીને. સંગીતાબેન અને અંજનાબેનને હું કહીશ કે આજે ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ તમને જોઈ રહ્યો છે. નર્મદા જિલ્લામાં જે આપણી સરકાર બની છે, તેમાં હવે આપણે ખૂબ જ સારું કામ કરવાનું છે, ઈમાનદારી સાથે કામ કરવાનું છે, લોકોની સેવા કરવાની છે, લોકોએ જે વિશ્વાસ આપ્યો છે એ વિશ્વાસ પર ખરું ઉતરવાનું છે. એટલું સારું કામ કરવાનું છે કે સમગ્ર ગુજરાતના લોકો કહે કે “જુઓ નર્મદા જિલ્લામાં કેટલું સારું કામ થઈ રહ્યું છે” તો નર્મદા જિલ્લાના લોકોએ જેટલો પણ પ્રેમ આપ્યો એ બદલ હું આપ સૌનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું.