Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ વિડિયોના માધ્યમથી સત્તાધીશો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દિલ્હીના જંતર-મંતર ખાતે આખા દેશમાંથી એકઠા થયેલા એક લાખથી વધુ ‘GenZ’ (નવી પેઢીના) યુવાનો નીટ (NEET) પેપર લીક મુદ્દે વ્યાજબી માંગણી કરી રહ્યા છે. પેપર લીક થયું હોવાની હકીકત સરકારે પોતે સ્વીકારીને ફરીથી પરીક્ષા લેવી પડી છે, જે દર્શાવે છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાની જવાબદારીમાં સંપૂર્ણપણે નાકામ અને નિષ્ફળ નીવડ્યા છે. આ આંદોલનને જાણીતા પર્યાવરણવિદ સોનમ વાંગચુક તેમજ ‘કોકરોચ જનતા પાર્ટી’ના અભિજીત દીપકેએ પણ સમર્થન આપ્યું છે. માત્ર એક શિક્ષણ મંત્રીનું રાજીનામું ન આપવું પડે તે માટે સરકારે હજારો પોલીસ જવાનો ખડકી દીધા છે. યુવાનો પર ખોટી FIR દાખલ કરીને, કાગળ વર્ક કરીને અને કેસો કરીને અદાલતો પર બિનજરૂરી ભારણ વધારવાનો ખેલ ખેલવામાં આવી રહ્યો છે. પીડિત યુવાનો સાથે નૈતિકતા દાખવીને ન્યાય આપવાને બદલે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા કાયદાકીય જાળ બિછાવી રહી છે.
Isudan Gadhviએ ભૂતકાળ યાદ અપાવતા કહ્યું કે, અગાઉ જ્યારે બાબા રામદેવે કાળા નાણાં પાછા લાવવાના મુદ્દે અનશન કર્યું હતું અને સરકારે પગલાં લીધા હતા, ત્યારે આ જ ભાજપના નેતાઓ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેને ‘દમનકારી સરકાર’ કહીને વિરોધ કરતા હતા. આજે કાળા નાણાંનો એક રૂપિયો પણ આવ્યો નથી, પરંતુ નીટ પેપર લીકની હકીકત સામે હોવા છતાં આખું ભાજપ મૌન ધારણ કરીને બેઠું છે. જે યુવાનોએ ભાજપને સત્તા પર બેસાડ્યા હતા, આજે એ જ યુવાનો પર બેરિકેડિંગ, વેલ્ડિંગ અને લાઠીચાર્જ કરીને દમન ગુજારવામાં આવી રહ્યું છે. આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી રહી છે. ધોરણ ૧૨ પછી ‘પરીક્ષા પર ચર્ચા’ કરીને જ્ઞાન આપનારા નેતાઓ આજે પોતાના હક માટે અવાજ ઉઠાવતા વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરી રહ્યા છે, આ દમનકારી નીતિ માટે ઈશ્વર પણ તેમને ક્યારેય માફ નહીં કરે.




