Isudan Gadhvi News: જેતપુરમાં ખેડૂતો પર થયેલા અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, મોરબીમાં ખેડૂતો પર જે રીતના અત્યાચાર કરવામાં આવ્યો છે તે જોઈ શકાય એમ નથી. ખેડૂતો ભોળા છે, તેઓ જાતિ જ્ઞાતિના આધારે ભાજપને ખોબલેને ખોબલે મત આપી દે છે એનો મતલબ એ નથી કે તમે ખેડૂતો પર અત્યાચાર કરો. પ્રાઇવેટ કંપનીઓ પોતે રૂપિયા કમાશે પરંતુ ખેડૂતોને વળતર ચૂકવવામાં તેમના પેટમાં દુખે છે. શું કંપનીઓ ફ્રી વીજળી આપશે?ખેડૂતોને પૂછ્યા વગર જમીનમાં ઘૂસીને મન ફાવે એમ થાંભલા નાખવામાં આવે છે અને કલેક્ટર મંત્રી અને મુખ્યમંત્રી પરમિશન આપી દે છે અને ભાજપના નેતાઓના મોઢા સિવાય ગયા છે. કંપનીઓ પોલીસને ભાડે લઈ આવે છે. લાઠીચાર્જનો વિડીયો જોઈને જ ગુજરાતના 54 લાખ ખેડૂતોનું લોહી ઉકળી ગયું છે.
વધુમાં પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને થાંભલાની કંપનીઓ અને ખેડૂતોની કમિટી બનાવો અને મિટિંગ બોલાવીને પૂછો કે તેમને કેટલી આવક થશે અને ખેડૂતોને તેઓ શું આપશે? 5% થી 10% ખેડૂતોને આપવા જોઈએ પરંતુ તમે કરોડો કમાઈને ખેડૂતોને લાખ રૂપિયા પણ આપવા માંગતા નથી. અથવા તો તમે વળતર ઊંચું આપો. આઈએએસ આઈપીએસ કે મંત્રી કે મુખ્યમંત્રીના ખેતરમાંથી એક વખત વીજ લાઈન કાઢો અને તેમના દીકરા દીકરીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી બતાવો. ફક્ત ગરીબો અને ખેડૂતો પર સિંઘમગીરી બતાવવામાં આવે છે.
વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મરજી પડે એમ ખેડૂતોને હેરાન પરેશાન કરવાની પરમિશન આપનારને શરમ આવવી જોઈએ. મેં સાંભળ્યું છે કે કંપનીઓ નેતાઓ અને અધિકારીઓના ખિસ્સા ભરે છે. જે ખેડૂતો તમને મત આપે છે એમના મતની કિંમત પણ નથી કરતી અને બીજી બાજુ કંપનીઓ માટે આખું તંત્ર તમે ઊભું કરી દો છો. અને જેટલા રજૂઆત કરવા જનાર ખેડૂતો અને નેતાઓને તમે જેલમાં નાખી દો છો. જે અત્યાચાર કરવામાં આવે છે એ 54 લાખ ખેડૂતોના આત્મસન્માન પર એક ઘા છે. હું આ તમામ 54 લાખ ખેડૂતોને અપીલ કરીશ કે એક થાઓ અને બધા એક સાથે નક્કી કરો કે પૂરતું વળતર આપો અથવા તો કંપનીના નફામાં પ્રોફિટ આપો. સરકારમાં બેઠેલા મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોને મારી વિનંતી છે કે ભગવાને તમને સત્તામાં બેસવાનો મોકો આપ્યો છે તો ખેડૂતોનું લોહીના ચુશો, અને કંપનીઓ સાથે બેસો અને એ લોકોના નફામાંથી ખેડૂતોને શું મળી એ દિશામાં વિચારો. પહેલા ખેડૂતોને યોગ્ય વળતર આપો પછી એમના ખેતરમાં પ્રવેશ કરો.




