Sabarkantha News: સાબરકાંઠામાં એક મહિનાની બાળકીની કથિત તસ્કરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, નવજાત બાળકીને રૂ.1.50 લાખમાં વેચવા માટે સાબરકાંઠાથી મુંબઈ લઈ જવામાં આવી રહી હતી. જોકે, ઇડર-હિંમતનગર હાઇવે પર પોલીસે કાર રોકી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને બાતમી મળી હતી કે એક કારમાં નવજાત બાળકીને વેચાણ માટે લઈ જવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે રાજપુર ગામ નજીક કારને અટકાવી તપાસ હાથ ધરી હતી. કારમાં એક મહિનાની બાળકી સહિત પાંચ લોકો મળી આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન પોલીસને કથિત રીતે જાણવા મળ્યું કે બાળકીને મુંબઈ લઈ જવાની હતી, જ્યાં તેને ‘કવિતા’ નામની મહિલાને સોંપવામાં આવનાર હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ માટે રૂ.1.50 લાખનો સોદો નક્કી થયો હતો. જોકે, સોદો પૂર્ણ થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરી બાળકીને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી.

આ કેસમાં પોલીસે કુલ સાત આરોપીઓની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે, જેમાંથી પાંચની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાબીબેન અને પોપટભાઈ નામના દંપતી પર બાળકીને વેચવાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે. જ્યારે દેવીલાલ અને સીતા રામને કથિત મુખ્ય દલાલો ગણાવવામાં આવી રહ્યા છે. પ્રવીણ ડાંગી અને દિનેશ ડાંગી પર પરિવાર અને દલાલો વચ્ચે સંપર્ક કરાવવાનો આરોપ છે.

તપાસ દરમિયાન પોલીસને આ મામલો માત્ર એક બાળક સુધી મર્યાદિત ન હોવાની આશંકા પણ વ્યક્ત થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, એક મહિલા દલાલે અગાઉ અલગ-અલગ શહેરોમાં આશરે 12 બાળકોને વેચ્યા હોવાની માહિતી મળી છે. હાલ પોલીસ આ બાળકો અંગેની વિગતો, તેમને કોને સોંપવામાં આવ્યા હતા અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તેની તપાસ કરી રહી છે.

આ કેસમાં મુંબઈની ‘કવિતા’ નામની મહિલાની ભૂમિકા પણ પોલીસ તપાસના કેન્દ્રમાં છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કવિતા આ નેટવર્કની મુખ્ય કડી છે કે પછી તેની પાછળ કોઈ મોટું બાળ તસ્કરી નેટવર્ક કાર્યરત છે. ફરાર આરોપીઓની શોધખોળ સાથે ધરપકડ કરાયેલા આરોપીઓની રિમાન્ડ પર પૂછપરછ ચાલી રહી છે.

સાબરકાંઠામાં નવજાત બાળકના કથિત વેચાણનો આ પહેલો મામલો નથી. અગાઉ માર્ચ મહિનામાં ખેડબ્રહ્મા વિસ્તારમાં પણ નવજાત શિશુના વેચાણનો કેસ સામે આવ્યો હતો. હવે પોશીના વિસ્તારમાંથી એક મહિનાની બાળકીને મુંબઈ વેચાણ માટે લઈ જવાનો મામલો સામે આવતા પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા તપાસ તેજ કરવામાં આવી છે.