Yogesh Jadwani AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી દેશભરના યુવાનો NEET અને પેપર લીકના મુદ્દે જંતર-મંતર ખાતે આંદોલન કરી રહ્યા છે અને સોનમ વાંગચુક સહિત દેશના અનેક લોકો આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે. આટલા દિવસો સુધી કોંગ્રેસના કોઈ નેતા આ આંદોલનમાં જોડાવા જંતર-મંતર ગયા નહોતા કે સંસદ કૂચમાં શામેલ થયા નહોતા. પરંતુ અચાનક રાહુલ ગાંધી માત્ર મીડિયામાં પબ્લિસિટી મેળવવા માટે પ્રધાનમંત્રી આવાસ પહોંચીને ધરણા-વિરોધ અને પ્રદર્શનનું નાટક કરે છે. રાહુલ ગાંધી જંતર-મંતર પર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં નથી ગયા, પરંતુ કેવળ પોતાની પ્રસિદ્ધિ માટે આ બધું કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ મિલીભગતથી સ્પષ્ટ થાય છે કે બંને પક્ષો અંદરોઅંદર મળેલા છે.
યોગેશ જાદવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, ૨૨થી વધુ રાજ્યોમાં સત્તા ધરાવતો અને બહુમતી ધરાવતો શાસક પક્ષ ભાજપ નવરાશના કારણે મૃતાપ્રાય કોંગ્રેસના કાર્યાલયે વિરોધ પ્રદર્શન કરવા જાય છે. ભાજપ અને કોંગ્રેસનું આ સુનિશ્ચિત શડયંત્ર છે, જેથી મીડિયામાં વિદ્યાર્થીઓના આંદોલન અને પેપર લીકનો મૂળ મુદ્દો સાઇડલાઇન થઈ જાય અને ભાજપ-કોંગ્રેસ વચ્ચેની રાજકીય નૂરાકુશ્તીને જગ્યા મળી રહે. આમ આદમી પાર્ટી આ ષડયંત્રને ખુલ્લું પાડે છે અને અન્યાયનો ભોગ બનેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં ખડેપગે ઊભી છે. ‘આપ’ માંગ કરે છે કે પેપર લીક મુદ્દે કડક પગલાં લેવામાં આવે, કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવાય અને નિર્દોષ વિદ્યાર્થીઓ પર દમન આચરનારા કોઈ પણ ચમરબંધી અધિકારીઓને બક્ષવામાં ન આવે.




