Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે ફરીથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો ઉપર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપ સરકાર એટલી નિર્દય બની ગઈ છે કે ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક જીએસપીએલ કે અન્ય કંપનીઓની લાઈનો નાખવી છે અને જો વિરોધ કરો તો ખોટા કેસો કરવામાં આવે છે. ધોળકા તાલુકાના સરગવાળા ગામે ઘણા દિવસથી આંદોલન ચાલતું હતું, જ્યાં કોળી સમાજ સહિતના ખેડૂતોએ પૂરતું વળતર ન મળે ત્યાં સુધી ગેસ પાઈપલાઈન નાખવા મનાઈ કરી હતી. સરકાર જાણે પોતાનો બગીચો હોય તેમ ખેડૂતોને પાકવીમો, રાહત, દેવામાફી કે પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે અંગ્રેજોની જેમ તમામ કાયદાઓ ઘોળીને પી ગઈ છે અને પોલીસને આગળ કરી ખેડૂતો પર અત્યાચાર ગુજાર્યો છે. આ લડાઈમાં ખેડૂતોને જ્યારે પણ તકલીફ પડે ત્યારે સાથે રહેતા, આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ અને કોળી સમાજના ઉભરતા ચહેરા બ્રિજરાજ સોલંકીએ જ્યારે પોલીસ સામે સવાલ ઉઠાવ્યો ત્યારે તેમને ખોટી રીતે ફસાવી એટેમ્પટ ટુ મર્ડર જેવી ગંભીર કલમો લગાડી જેલમાં નાખી દેવાયા છે; જેમ અગાઉ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવનાર ચૈતર વસાવાને ખોટા કેસો કરી જેલમાં નાખી દેવાયા હતા.
’આપ’ નેતા Isudan Gadhviએ વધુમાં જણાવ્યુ હતુ કે ભાજપ સરકારે પહેલા આદિવાસી, દલિત અને OBC સમાજને દબાવવાની કોશિશ કરી અને હવે કોળી સમાજના ઉભરતા ચહેરાઓને ખોટી રીતે ડરાવી-ધમકાવી જેલમાં પૂરી સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. આજે બ્રિજરાજભાઈના સમર્થનમાં સમાજના ઢગલાબંધ આગેવાનો અને ‘આપ’ના તમામ નેતાઓ આવ્યા છે, જે બદલ તેમનો આભાર માનતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે આ લડાઈ માત્ર એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર ખેડૂતો અને કોળી સમાજની છે. અમારા પૂર્વજો અંગ્રેજો સામે નહોતા ડર્યા, તો આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ખોટી એફઆઈઆર, જેલ કે પોલીસથી ડર્યા વિના ભાજપ સામે મક્કમતાથી લડશે અને ગમે તેવી કપરી પરિસ્થિતિમાં કોળી સમાજ સહિત તમામ ખેડૂતોની પડખે ઊભા રહેશે. આ સાથે તેમણે રાજ્યના 54 લાખ ખેડૂતો, સમાજના આગેવાનો અને ભાજપમાં રહેલા કોળી સમાજના નેતાઓને અપીલ કરી હતી કે અન્યાય સામે એકતા બતાવી ભાજપ સામે અવાજ ઉઠાવે અને જો સરકાર ન માને તો સમાજના હિતમાં રાજીનામા આપી સમર્થનમાં આવે, તેમજ કોળી સમાજના યુવાનોને સોશિયલ મીડિયા પર વિડિયો અને કેમ્પેન ચલાવી પોતાનો અવાજ મજબૂતાઈથી બુલંદ કરવા વિનંતી કરી હતી.




