Ahmedabad Crime News: અમદાવાદના પાલડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પુત્રવધૂએ તેની 79 વર્ષીય સાસુને પ્રતિબંધિત નશીલા પદાર્થોની ગોળીઓ ખવડાવીને અર્ધબેભાન અવસ્થામાં રાખી હતી અને પછી તેના બેંક ખાતામાંથી ₹1.84 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. પુત્રના મૃત્યુ પછી સાસુ તેની પુત્રવધૂ સાથે રહેતી હતી ત્યારે તેણે સાસુનું પ્રિસ્ક્રિપ્શન બદલીને નશીલા પદાર્થોની ગોળીઓ આપી હોવાનો આરોપ છે. આ કિસ્સામાં વૃદ્ધ મહિલાએ પાલડી પોલીસ સ્ટેશનમાં તેની પુત્રવધૂ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ મુજબ પાલડીમાં રહેતાં 79 વર્ષીય જયશ્રીબેને 2024માં તેમના પુત્ર અભિષેકને ગુમાવ્યો હતો. ત્યારબાદ તેઓ તેમની પુત્રવધૂ અંકિતા અને પૌત્રી સાથે રહેતાં હતાં. પુત્રના મૃત્યુ પછી અંકિતાએ ઉગ્ર દલીલ અને ભાવનાત્મક દબાણ દ્વારા જયશ્રીબેનના HDFC બેંકના સંયુક્ત ખાતામાં પોતાનું નામ ઉમેરાવ્યું હતું. ત્યારબાદ તેણે ઘરખર્ચના બહાને જયશ્રીબેનને ખાલી ચેક પર સહી કરાવવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
આ રીતે પુત્રવધૂનું કથિત કાવતરું સામે આવ્યું
આરોપી પુત્રવધૂએ પોતે અથવા તેના સાથી દ્વારા પાલડીના એક મેડિકલ સ્ટોરમાંથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરીને પ્રતિબંધિત માદક દ્રવ્યની ગોળીઓ (Tab Trika 0.5) મેળવી હોવાનો આરોપ છે. તે નિયમિતપણે આ દવા તેની સાસુને આપતી હતી, જેના કારણે જયશ્રીબેનને સતત સુસ્તી અને ચક્કર આવતાં હતાં. પરિણામે તેમને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડતી હતી.
સપ્ટેમ્બર 2025માં જયશ્રીબેનની તબિયત વધુ બગડી ગઈ હતી અને તેઓ પોતાની પુત્રી કોષાને ઓળખી પણ શક્યાં નહોતાં. તેમની પુત્રી તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ ગઈ હતી.
રક્ત પરીક્ષણમાં જાણવા મળ્યું કે તેમને નશીલી દવા આપવામાં આવી રહી હતી. શંકા જતાં પુત્રી અને જમાઈએ તેમના બેંક ખાતાઓનું ઓડિટ કરાવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે અંકિતાએ સહી કરાવેલા ખાલી ચેકનો ઉપયોગ કરીને HDFC બેંકમાંથી લાખો રૂપિયા પોતાના ખાતા અને મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર કર્યા હતા.
વધુમાં, તેણે તેના સ્વર્ગસ્થ પતિ અભિષેકના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને કોટક મહિન્દ્રા બેંકના ખાતામાંથી કુલ ₹18,470,000 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ છે. પાલડી પોલીસે અંકિતા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.




