Gujarat Congress News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે ગાંધીનગર સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારની શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એક તરફ નવી શિક્ષણ નીતિ અને સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF) જેવા કાર્યક્રમોનું લોકાર્પણ કરી રહી છે, જ્યારે બીજી તરફ લાખો વિદ્યાર્થીઓ હજુ સુધી પાઠ્યપુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

હેમાંગ રાવલે જણાવ્યું કે શાળાઓ 6 જૂનથી શરૂ થઈ ગઈ હોવા છતાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળવાપાત્ર પાઠ્યપુસ્તકો સમયસર મળ્યા નથી. તેમના જણાવ્યા મુજબ 16 જૂન, 2026 સુધી કુલ 208 વિતરણ રૂટમાંથી માત્ર 15 રૂટ પર જ પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે, જ્યારે 193 રૂટ પર હજુ વિતરણ બાકી છે. રાજ્યભરના 400થી વધુ વિતરણ કેન્દ્રોમાં પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી.

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આ સ્થિતિનો સૌથી વધુ ફટકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિવાસી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પડી રહ્યો છે. પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે અને શિક્ષકો માટે પણ અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવો મુશ્કેલ બન્યો છે.

હેમાંગ રાવલે વધુમાં દાવો કર્યો કે પાઠ્યપુસ્તક મંડળના જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર વિનામૂલ્યે વિતરણ થનારા કેટલાક પુસ્તકોનું છાપકામ પણ હજુ પૂર્ણ થયું નથી. જો આ માહિતી સાચી હોય તો સમગ્ર આયોજન, છાપકામ અને વિતરણ પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.

તેમણે સવાલ કર્યો કે બજારમાં વેચાણ માટેના પુસ્તકો સમયસર ઉપલબ્ધ થઈ જાય છે, પરંતુ ગરીબ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો કેમ પહોંચતા નથી? કોંગ્રેસે સરકાર, શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પાસેથી આ મામલે સ્પષ્ટતા માંગતા પારદર્શક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ, નાણાકીય અનિયમિતતા અથવા બેદરકારી સામે આવશે તો તે અંગેના તમામ દસ્તાવેજો અને વિગતો જાહેર કરવામાં આવશે. સાથે જ બાકી રહેલા તમામ પાઠ્યપુસ્તકોનું તાત્કાલિક વિતરણ પૂર્ણ કરવા સરકારને અપીલ કરવામાં આવી છે.