Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં ગે ડેટિંગ એપનો ઉપયોગ કરીને યુવકને હની ટ્રેપમાં ફસાવી ખંડણી વસૂલવાના કિસ્સાનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે સાત આરોપીઓની ધરપકડ કરી છે અને પીડિત પાસેથી પડાવાયેલા રૂપિયા પણ જપ્ત કર્યા છે.
મળતી માહિતી મુજબ, લખતર તાલુકાના એક યુવકે ગે ડેટિંગ એપ ડાઉનલોડ કરીને કેટલાક લોકો સાથે સંપર્ક શરૂ કર્યો હતો. વાતચીત અને મિત્રતા બાદ તેને સુરેન્દ્રનગરમાં મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. યુવક નક્કી કરેલા સ્થળે પહોંચતા જ તેને ખબર પડી કે તે ડેટ પર નહીં પરંતુ ગોઠવાયેલ હની ટ્રેપમાં ફસાઈ ગયો છે.
સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ પાછળ આવેલા એક સૂના મકાનમાં પહેલેથી હાજર સાત લોકોએ યુવકને ઘેરી લીધો હતો. આરોપીઓએ તેની સાથે મારપીટ કરી, ખાનગી ફોટા અને વીડિયો બનાવી લીધા અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવક પાસેથી ₹31,000ની ખંડણી વસૂલવામાં આવી હતી.
આરોપીઓએ યુવકને પોલીસ પાસે ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી હતી. જોકે, પીડિતાએ હિંમત બતાવીને સીધી પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળતાં જ સુરેન્દ્રનગર શહેર એ-ડિવિઝન પોલીસે ટેકનિકલ તપાસ અને બાતમીદારોની મદદથી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સાહિલ ચૌહાણ, શક્તિ બાજીપરા, ભાર્ગવ પરમાર, સમીર કોડિયા, ફરદીન શેખ, સમીર દિવાન અને અંકિત ત્યાગીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી શક્તિ બાજીપરા સામે અગાઉ પણ હની ટ્રેપના બે કેસ નોંધાયેલા છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ ગેંગ લાંબા સમયથી સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સ મારફતે લોકોને નિશાન બનાવી રહી હતી. અન્ય કોઈ લોકો પણ આ ગેંગનો ભોગ બન્યા છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.
જિલ્લા પોલીસ તંત્રએ લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ ઓનલાઈન બ્લેકમેલિંગ, હની ટ્રેપ અથવા ડેટિંગ એપ છેતરપિંડીનો ભોગ બની હોય તો તેઓ નિર્ભયપણે પોલીસનો સંપર્ક કરે. પોલીસે જણાવ્યું કે બદનક્ષીના ડરથી ફરિયાદ ન કરવાથી આવા ગુનેગારોને વધુ પ્રોત્સાહન મળે છે.
આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સ પર બનેલી દરેક ઓળખ વિશ્વસનીય હોતી નથી અને ઓનલાઈન મિત્રતા કરતી વખતે સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.




