વર્તમાન સમયમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 31/05/2024 સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જે બાબતને અનુલક્ષીને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર શહેર અને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર ગ્રામ્યના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તેથી આગામી તારીખ 27/05/2024 થી નવી સુચના બહાર ન પાડવામાં આવે તે તારીખ સુધી ઉક્ત બંને કચેરીના જનસેવા કેન્દ્રનો સમય સવારના 09:00 કલાકથી બપોરના 01:00 કલાક સુધી અને સાંજના 04:00 થી 06:00 સુધી રાખવામાં આવ્યો છે. જેની જામનગરની તમામ જાહેર જનતાને ખાસ નોંધ લેવા અંગે મામલતદારશ્રી, જામનગર શહેર અને મામલતદારશ્રી, જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

માહીતી અનુસાર રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી ભયંકર ગરમી પડી રહી છે. રાજયના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 45ને પાર જતાં લોકો આકરી ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે (meteorological department) હજુ પણ આગામી પાંચ દિવસ હિટવેવની આગાહી કરી છે.

રાજ્યભરમાં આજે પણ આકાશમાંથી અગનવર્ષા વરસતી રહેશે. 19 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ, તો નવ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ, તો પાંચ જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી છે. જૂનાગઢ, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ, તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ અપાયુ છે.