રાજકોટમાં TRP ગેમઝોનમાં શનિવારે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મૃત્યુઆંક 32 થયો છે. ત્યારે હવે આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને ગંભીર આક્ષેપ કર્યા હતા.

મળતી માહિતી અનુસાર રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 32 લોકો હોમાયા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આજે સુઓમોટો લીધો હતો. ગુજરાત હાઈકોર્ટમાં આજે જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની વિશેષ બેન્ચે સુનાવણી હાથ ધરી છે. અને આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે.

આ ઉપરાંત હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ તેમજ રાજ્ય સરકાર પાસે ગેમઝોનના નિયમો અને ફાયર નિયમો અંગે એક જ દિવસમાં ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં સિંધુભવન, એસ.પી રીંગ રોડ તેમજ એસ.જી હાઈવે પરના ગેમ ઝોનને પણ ભયજનક ગણાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે તેમજ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા તેની હાઇકોર્ટે ન્યાયિક નોંધ લીધી છે. નોંધનીય છે કે કોર્ટે આખા મામલાનું સ્વયં સંજ્ઞાન લઈને સુઓમોટો પિટિશન દાખલ કરી છે. હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે. જોકે, આજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહેલી સવારે રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈને ઘટના પાછળ થવાના કારણો સહિત બચાવ કામગીરીની વિગતો મેળવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી અગ્નિકાંડમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત AIIMS પહોંચીને ડૉક્ટર્સ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.