રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ગઈકાલે લાગેલી આગમાં 9 બાળકો સહિત 28 લોકોની જિંદગી હોમાઈ ગઈ. અને હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. રાજકોટમાં બેદરકારીના દાવાનળમાં અનેક પરિવારો હોમાયા છે અને આ ગેમિંગ ઝોન દુર્ઘટનામાં સાંગણવાના વિરેન્દ્રસિંહનો પરિવાર પણ વિખેરાયો છે.

રાજકોટ અગ્નિકાંડમાં દુર્ઘટનામાં એક જ પરિવારના 7 સભ્યો બન્યા ભોગ બન્યા હતા જેમાંથી 5 સભ્યો હાલ લાપતા છે. સાંગણવા ગામના વિરેન્દ્રસિંહ તેમના પત્ની, પુત્ર અને સાઢુના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા, જ્યાં એમના આ પરિવારનો માળો વિખેરાય ગયો છે. સાંગણવા ગામના વિરેન્દ્રસિંહનો છેલ્લો વીડિયો આવ્યો સામે આવ્યો છે. અચાનક ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ તો સલામત સ્થળે હતા પરંતુ બાળકો આગમાં ફસાયેલા હોવાથી તેઓ એમને બચાવવા માટે ઉપર ગયા હતા. પરિવારને બચાવવા જતાં વિરેન્દ્રસિંહ પણ આગકાંડનો ભોગ બન્યા હતા. આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યો હાલ ગુમ છે.

આ દુર્ઘટનામાં સમયે ગેમિંગ ઝોનમાં ક્ષમતા કરતા વધારે લોકો હાજર હતા. આગ લાગી ત્યારે ગેમિંગ ઝોનમાં 300 જેટલા લોકો હાજર હતા. ત્યારે આ અગ્નિકાંડમાં જીવતા ભૂંજાયેલા મૃતકોના DNA ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મૃતકોની ઓળખ માટે પરિવારજનોના લોહીના સેમ્પલ લેવાની ફરજ પડી છે. મૃતદેહોના DNA રિપોર્ટ કર્યા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે.