Gujarat News: ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સરકારી અધિકારીઓને ફાળવવામાં આવેલા સબસિડીવાળા પ્લોટ પર બનેલા ગેરકાયદેસર બાંધકામો સામે વહીવટીતંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગરુડેશ્વર વિસ્તારમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર એક કિલોમીટર દૂર આવેલા પાંચ બંગલાઓને તોડી પાડવામાં આવ્યા છે. આ બાંધકામો રહેણાંક ઉપયોગની શરતોનું ઉલ્લંઘન કરીને કોમર્શિયલ હેતુઓ માટે બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો છે.

માહિતી અનુસાર, વર્ષ 2019માં નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 13 વરિષ્ઠ સરકારી અધિકારીઓને ખૂબ જ રાહતદરે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આ પ્લોટો માત્ર રહેણાંક ઉપયોગ માટે આપવામાં આવ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન કેટલાક પ્લોટ પર છથી 12 બેડરૂમ ધરાવતા ભવ્ય બંગલાઓ ઉભા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

RTI મારફતે મળેલી માહિતી અને ત્યારબાદ કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક બંગલાઓનો ઉપયોગ હોમસ્ટે અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો હતો. વહીવટીતંત્રની પ્રાથમિક તપાસમાં ટાઉન પ્લાનિંગના નિયમો અને ફાળવણીની શરતોના ભંગના પુરાવા મળ્યા હતા.

આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ બાદ કડક સુરક્ષા વચ્ચે પાંચ બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. બે અધિકારીઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હોવાથી તેમના બંગલાઓ સામે હાલ કાર્યવાહી કરવામાં આવી નથી.

ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કાર્યવાહીને યોગ્ય ગણાવતા જણાવ્યું કે કાયદાનું પાલન દરેક માટે સમાન હોવું જોઈએ. તેમણે ઉમેર્યું કે નિયમોનો ભંગ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી જરૂરી છે, પરંતુ અન્ય શંકાસ્પદ બાંધકામો અને પ્રોજેક્ટોની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને સરકારી જમીન તથા સબસિડીવાળા પ્લોટના ઉપયોગ અંગે અનેક સવાલો ઉભા થયા છે.